સૂદાનના દક્ષિણમાં આદિવાસીઓની વચ્ચે બે દિવસના સંઘર્ષ પછી ઓછામાં ઓછા ૨૨૦ લોકોનાં મોત થયા છે તેમ એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સંઘર્ષ તાજેતરના વર્ષોમાં આદિવાસીઓની વચ્ચે થયેલો સૌથી ઘાતક આદિવાસી સંઘર્ષ છે.
આ અશાંતિએ નાગરિક સંઘર્ષ અને રાજકીય અરાજકતામાં ફસાયેલા એક આફ્રિકન દેશની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સંઘર્ષ જમીન મુદ્દે દેશના બ્લુ નાઇલ પ્રાંતમાં હૌસા જનજાતિ અને બર્ટા લોકોની વચ્ચે થયો હતો.
બ્લૂ નાઇલના આરોગ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ફત અર્રહમાન બખેતના જણાવ્યા અનુસાર ઇથોપિયાની સરહદે વાડ અલ-માહી શહેરમાં બુધવાર અને ગુરૃવારે તંગદિલી વધી ગઇ હતી અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક મકાનોને આગ લગાવી દેવામાં આવી છે. જેના કારણે રુસીઆરીસ શહેરમાં ૭૦૦૦ લોકો વિસ્થાપિત થઇ ગયા છે. ચાલુ વર્ષે આવા પ્રકારની અથડામણોમાં કુલ ૨,૧૧,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે.આ અગાઉ મધ્ય જુલાઇમાં પણ બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં ઓક્ટોબરની શરૃઆત સુધીમાં ૧૪૯ લોકોનાં મોત થયા હતાં