ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં સર્ટિફિકેટ મેળવવા આવતા લોકો સ્ટાફના અભાવે લાંબી કતારોમાં જોવા મળ્યા છે
ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં સર્ટિફિકેટ મેળવવા આવતા લોકો સ્ટાફના અભાવે લાંબી કતારોમાં જોવા મળ્યા છે, ત્યારે લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે વિપક્ષ નેતાએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે.
દિવાળીના તહેવારની રજાઓ પૂર્ણ થતાં હવે ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં દાખલા મેળવવા લોકોની લાંબી કતારો લાગી રહી છે, ત્યારે પાલિકા કચેરીમાં સ્ટાફનો અભાવ હોવાથી અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, પાલિકામાં કામ અર્થે આવતા વૃદ્ધ-વડીલો સહિત મહિલાઓને યોગ્ય જવાબ પણ નહીં મળતો હોવાનો આક્ષેપ થયો છે. 2 દિવસના કામ માટે 15-15 દિવસ સુધી અરજદારોને પાલિકાના ધક્કા ખાવા પડી રહ્યા છે. તેવામાં પાલિકામાં અધિકારીઓની ગેરહાજરીના કારણે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, પાલિકાના વિપક્ષ નેતાએ તાત્કાલિક ધોરણે સ્ટાફ મુકવામાં આવે તેવી પાલિકા પ્રમુખ સહિત મુખ્ય અધિકારીને રજૂઆત કરી છે. જો વહેલી તકે લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધીગીરી સ્વરૂપે પાલિકા કચેરીમાં બેસી લોકોની મદદ કરવા માટે વિપક્ષ નેતાએ ચીમકી ઉચ્ચારી છે.