Satya Tv News

અંકલેશ્વર પંથકમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકો એ,બી અને GIDC પોલીસ મથકના DJ સંચાલકો, માલિકોને અવાજના ડેસીબલ માપવાના યંત્ર દ્વારા ડીજે ચાલુ કરીને લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામને જાહેરનામાનો અમલ કરવા અપીલ કરાઈ હતી.

ડીજે સંચાલકોને ધ્વનિ પ્રદુષણ અંગે માહિતગાર કરાયા
ભરૂચ એસપી ડૉ.લીના પાટીલે તહેવારો, ઉત્સવો, લગ્ન પ્રસંગો દરમ્યાન D.J. અને સાઉન્ડ સિસ્ટમના કારણે ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય અને સામાન્ય જનતાને અગવડ ના પડે અને શાળાઓની તથા બોર્ડની પરીક્ષાઓ આવતી હોય જે દરમ્યાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે જરૂરી પગલા લેવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જેના આધારે અંકલેશ્વર ખાતે DYSP ચિરાગ દેસાઈના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વર શહેર એ,બી ડીવીઝન તથા અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના ડી.જે. સંચાલકો, માલીકો સાથે અંકલેશ્વરના શેઠના હોલ ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું.

જાહેરનામાનો અમલ કરવા માટે ખાત્રી આપી હતી
આ મિટિંગમાં પોલીસ દ્વારા ડીજે સંચાલકો અને માલિકોને ધ્વનિ પ્રદુષણ જાહેરનામાના અમલ બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ GPCB અંક્લેશ્વર ટીમના અધિકારીઓ મારફતે ધ્વનિ પ્રદુષણ કઇ રીતે માપવામાં આવે છે તે અંગે અવાજના ડેસીબલ માપવાના યંત્ર વડે D.J. ચાલુ કરાવી લાઇવ ડેમો બતાવી અને ધ્વનિ પ્રદુષણથી માણસના સ્વાસ્થ્ય ઉપર થતી અસરો વિશે સમજ આપવામાં આવી હતી. આ મિટિંગમાં 50 જેટલા ડી.જે.ના સંચાલકો, માલીકો હાજર રહ્યા હતા. આ સંચાલકોએ પોલીસને જાહેરનામાના અમલમાં સહકાર આપવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં એ, બી અને GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પણ હાજર રહ્યા હતાં.

error: