ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે થયેલી ટ્રેન દુર્ઘટના એટલી ભયાનક હતી કે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એક એન્જિન ગુડ્સ ટ્રેનના રેક પર જ ચઢી ગયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે બારીના કાચ તૂટી ગયા હતા અને લગભગ 50 લોકો બહાર પડી ગયા હતા.
અંધારાના કારણે લોકો રડતાં રડતાં પોતાનાં પ્રિયજનોને શોધતા રહ્યા. કેટલાકને ધડ મળ્યું પણ માથું નહીં. લોકો ચીસો પાડતા અને તેમના પ્રિયજનોના ટુકડા ભેગા કરતા જોવા મળ્યા હતા. સ્થિતિ એવી હતી કે કોચમાં ફસાયેલાં બાળકો અને મહિલાઓને કોચમાંથી બહાર કાઢવા માટે સીડીનો સહારો લેવો પડ્યો હતો. ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો પણ મોડી રાત સુધી અથાક મહેનત કરતા જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં પણ ઘણા લોકો ઘાયલોની મદદ માટે દોડ્યા હતા.
આ દુર્ઘટનામાં સવારે 6 વાગ્યા સુધી 233 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત છે એ લોકોએ નજરે જોયેલી સ્થિતિ જણાવી હતી, એમાં સમજી શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો.
એક મુસાફરે જણાવ્યું હતું કે અમે S5 કોચમાં બેઠા હતા અને અકસ્માત થયો ત્યારે હું સૂઈ રહ્યો હતો. જોરદાર અવાજથી હું જાગી ગયો. મેં જોયું કે ટ્રેન પલટી ગઈ. મારી સીટ ઉપરના માળે હતી, હું ત્યાં પંખો પકડીને બેઠો હતો. ટ્રેનમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો અમને બચાવો બચાવો બૂમો પાડી રહ્યા હતા.
ત્યાર બાદ પેન્ટ્રી કારમાં આગ લાગી હતી. જ્યારે અમે બીજી તરફ દોડ્યા તો જોયું કે ત્યાં હાથ વગરના, પગ વગરના મૃત લોકો પડેલા હતા. ત્યાં સુધી કોઈ બહારની વ્યક્તિ મદદ માટે આવી ન હતી. ટ્રેનમાંથી ઊતરીને લોકો એકબીજાને મદદ કરી રહ્યા હતા. સારી વાત એ હતી કે અમારી સીટ નીચે એક 2 વર્ષનું બાળક હતું, જે એકદમ સુરક્ષિત હતું. અમે તેના પરિવારને બચાવવામાં મદદ કરી હતી.
એક મુસાફરે જણાવ્યું, અમારી સીટ નીચે એક 2 વર્ષનું બાળક હતું, સારી વાત એ છે કે તેને કંઈ થયું નથી.
2. ટ્રેન પલટી, 10 લોકો મારા પર પડ્યા, બહાર આવ્યા અને વિકૃત મૃતદેહો જોયા
અન્ય એક મુસાફરે જણાવ્યું, હું ટ્રેનમાં સૂઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રેન પલટી ગઈ હતી. હું એક આંચકાથી જાગી ગયો. હું રિઝર્વ કોચમાં હતો, પરંતુ તે સામાન્ય કોચની જેમ લોકોથી ભરેલી હતી. જ્યારે મેં મારી આંખ ખોલી તો મેં જોયું કે મારી ઉપર 10-12 લોકો પડ્યા હતા. જ્યારે હું ટ્રેનમાંથી ઊતર્યો ત્યારે જોયું કે કોઈનો હાથ નહોતો, કોઈનો પગ નહોતો. કોઈનો ચહેરો બગડી ગયો છે. મને મારા હાથ અને ગરદનમાં ઈજા થઈ છે.
એક મુસાફર સૌમ્યરંજન શેટ્ટીએ જણાવ્યું હતું કે તે ભદ્રક બ્લોકમાં રહે છે અને બાલાસોરમાં કામ કરે છે. તેણે સાંજે ઘરે જવા માટે 6:40 વાગ્યે બાલાસોરથી કોરોમંડલ ટ્રેન પકડી. 6:55 વાગ્યે બહાનગા સ્ટેશન પર થોડો અવાજ આવ્યો અને ટ્રેન પલટી ગઈ. ત્યારે અમને સમજાયું કે ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી.
ટ્રેન ઊભી રહેતાં જ હું પહેલા બહાર નીકળ્યો. મારી સાથે રહેલા ત્રણ-ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. એક માણસે મને પકડીને નીચે લાવ્યો અને પાણી પીવડાવ્યું. આ પછી મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.
એક મુસાફરે જણાવ્યું, ટ્રેનનો કોચ પલટી ગયો હતો, તેથી એક વ્યક્તિએ મને ટ્રેનમાંથી નીચે ઉતારી અને હોસ્પિટલ મોકલી દીધો.
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 900થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાલાસોરના બહંગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે થયો હતો. કોલકાતા-ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહાનાગા પાસે પાટા પરથી ઊતરી ગઈ હતી. આ પછી એક માલગાડી કોરોમંડલ ટ્રેલ સાથે અથડાઈ હતી.