બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આ રાજ્યમાં અવિરત વરસાદને કારણે ત્રણ આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત થયા
- બિપોરજોય સંકટ વચ્ચે આસામમાં પૂરે તબાહી મચાવી
- આસામમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર
- ત્રણ જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત
બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આસામમાં પૂરની સ્થિતિ ગુરુવારે વધુ વણસી ગઈ હતી. વાત જાણે એમ છે કે, આસામમાં અવિરત વરસાદને કારણે ત્રણ આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત થયા હતા. સત્તાવાર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, ધેમાજી, ડિબ્રુગઢ અને લખીમપુર જિલ્લામાં પૂરથી 28,800 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર લખીમપુર જિલ્લામાં પૂર વધુ ગંભીર છે જ્યાં 23,500 થી વધુ લોકો તેનાથી પ્રભાવિત છે. ડિબ્રુગઢમાં 3,800 થી વધુ લોકો અને ધેમાજીમાં લગભગ 1,500 લોકો પૂરથી પ્રભાવિત છે.
મહત્વનું છે કે, બુધવાર સુધી આસામના બે જિલ્લામાં લગભગ 21,000 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. પ્રશાસને લખીમપુર જિલ્લામાં રાહત સામગ્રીના વિતરણ માટે ત્રણ કેન્દ્રો શરૂ કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈ રાહત શિબિર શરૂ કરવામાં આવી નથી. ASDMAએ જણાવ્યું કે. હાલમાં આસામના 25 ગામો પૂરની ઝપેટમાં છે અને 215.57 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન થયું છે. તેમના મતે વિશ્વનાથ, બોંગાઈગાંવ, ડિબ્રુગઢ, જોરહાટ, લખીમપુર, મોરીગાંવ, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં માટીનું ધોવાણ થયું છે.
કચર અને કામરૂપ મેટ્રોપોલિટનમાં મુશળધાર વરસાદને કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. ASDMAએ કહ્યું કે. આસામમાં હાલમાં કોઈ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી નથી. પૂરના પાણીએ લખીમપુર, ગોલપારા, વિશ્વનાથ, ધેમાજી, બક્સા, દિમા હસાઓ અને કરીમગંજ જિલ્લાઓમાં પાળા, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે.
પૂરના પાણીએ લખીમપુર, ગોલપારા, વિશ્વનાથ, ધેમાજી, બક્સા, દિમા હસાઓ અને કરીમગંજ જિલ્લાઓમાં પાળા, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે. ગુવાહાટી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર એ બુધવારે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્રણ દિવસ માટે, RMCએ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું હતું. ત્યારબાદ આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું હતું.