અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ગત મધ્યરાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટકયા હતા અને બે મકાનોને નિશાન બનાવી એક મોપેડ સહીત સોના ચાંદીના દાગીના, રોકડ મળી અંદાજે ૧૦ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા
અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ગત તા.૧૭ જુનની મધ્યરાત્રીએ બે થી ત્રણ વાગ્યાના સુમારે જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી રુદ્રાક્ષ રેસીડેન્સીના એક બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ અને આખા ઘરમાં સામાન વેર વિખેર કરી તિજોરીમાંથી રોકડ ઉપરાંત સોના ચાંદીના દાગીના મળી અંદાજે રૂ.૧૦ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. મકાન માલિક રાજેન્દ્ર ગુપ્તા તેમના પરિવાર સાથે મુંબઈ સામાજિક કામ અર્થે ગયા હતા તે દરમ્યાન તેમના બંધ મકાનને તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યુ હતુ. બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાદમાં ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ.ની મદદ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
લગભગ આજ તસ્કર ટોળકીના ત્રણ સદસ્યોંએ આ અગાઉ રાત્રે બે એક વાગ્યાના ગાળામાં લાયન્સ સ્કુલની સામે આવેલ એક બંગલામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ મકાન માલિક સંજયભાઇ મકાણી જાગી જતા તસ્કરો ભાગ્યા હતા જોકે તેઓ બાજુના મકાનમાં પાર્ક એક મોપેડ ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ ચોરીના પ્રયાસમાં ત્રણ જેટલા તસ્કરો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બંને ચોરીની ઘટનાની તપાસ હાથ ધરી હતી.