Satya Tv News

બે મોટરસાયકલ સવાર યુવકો વચ્ચે લડાય
યુવકોને ચાર ઇસમોએ માર માર્યો
રીશ રાખી થયો હતો ઝઘડો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લિમેટ ગામ નજીક મોટરસાયકલ સવાર બે યુવકોને અન્ય ચાર યુવકોએ માર માર્યો હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.

આ અંગે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ તાલુકાના લિમેટ ગામે રહેતો અજીત ભાણાભાઇ વસાવા નામનો યુવાન ગતરોજ તા.૬ ના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં તેના મિત્ર સંદીપ સાથે સંદીપના વાલિયા ખાતે રહેતા મિત્રને પેટ્રોલ આપવા મોટરસાયકલ પર ગયો હતો. આ બન્ને યુવકો ગામ નજીકના એક ગલ્લા પરથી પેટ્રોલ લઇને વાલિયા જવા નીકળ્યા હતા. આ લોકો રાતના નવેક વાગ્યાના અરસામાં લિમેટ ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે તે દરમિયાન ગામમાંથી નીકળતા આરસીસી રોડ પરથી લિમેટ ગામના કેવિન વસાવા તેમજ નિલેશ વસાવા મોટરસાયકલ લઇને નીકળતા હતા. તે સમયે તેમની મોટરસાયકલ અજય અને સંદીપની મોટરસાયકલ સાથે અથડાતા અથડાતા રહી ગઇ હતી. તેથી આ લોકોએ તેમને કહ્યું હતુંકે ગાડી ધીમે હાંકો. ત્યારે આ સાંભળીને કેવિન કહેવા લાગ્યો હતો કે અથડાઇ જાયતો તું કોણ કહેવાવાળો? ત્યારબાદ અજીત અને સંદીપ વાલિયા જવા નીકળી ગયા હતા. તે લોકો વાલિયાથી પાછા ફરી રહ્યા હતા ત્યારે લિમેટ ગામ નજીક આવતા એક ઝાડ પાસે પ્રિતમ વસાવા,કેવિન વસાવા, કિરણ વસાવા તેમજ નિલેશ વસાવા તમામ રહે.ગામ લિમેટના ઉભા હતા. પ્રિતમ વસાવાએ અજીત અને સંદીપની મોટરસાયકલ ઉભી રખાવી હતી,અને કહેવા લાગેલ કે કયો દાદો છે? ચાલો નીચે ઉતરો. તેમ કહીને પ્રિતમે અજીતને ગાડી પરથી ઉતારીને ઢિકાપાટુનો માર માર્યો હતો. તેનું ઉપરાણું લઇને અન્ય ત્રણ યુવકો પણ અજીત અને સંદીપને માર મારવા લાગ્યા હતા.આ ઝઘડા દરમિયાન પ્રિતમ વસાવાએ તેના હાથમાંનું કડુ અજીતને ડાબી આંખની ઉપરના ભાગે કપાળ પર મારી દેતા અજીતને કપાળ પર ચામડી ફાટી જઇને લોહી નીકળ્યું હતું. ઝઘડાની ખબર પડતા અજીતના અન્ય મિત્રોએ વચ્ચે પડીને તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. ત્યારબાદ માર મારનાર ચારેય યુવકો ત્યાંથી નાશી ગયા હતા. ઇજાગ્રસ્ત અજીતને વાલિયા ખાતે સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે અજીત ભાણાભાઇ વસાવા રહે.ગામ લિમેટનાની ફરિયાદ મુજબ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે કેવિન વસાવા, નિલેશ નગીન વસાવા, પ્રિતમ બાબુભાઈ વસાવા તેમજ કિરણ જયેશભાઇ વસાવા તમામ રહે.ગામ લિમેટ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા

error: