અમદાવાદમાં રહેતા જયેશ સોની નામના વ્યક્તિએ જીગ્નેશ અને તેની પત્નીને દુબઇ દાણચોરીનું સોનું લાવવાના માટે મોકલ્યા હતા.
જેના બદલામાં દુબઇમાં ફરવા ઉપરાંત, ૨૫ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. બંનેની ટુર પુરી થયા બાદ જયેશ સોનીના કહેવાથી ચેતન સોની નામનો વ્યક્તિ અંડર વેર અને સેનેટરી પેડમાં છુપાવેલુ લિક્વીડ ગોલ્ડ આપી ગયો હતો. જે બાદ ગત ૧૯મી જૂનના રોજ દુબઇથી મુંબઇ એરપોર્ટ પર આવ્યા હતા અને ઇમીગ્રેશન અને કસ્ટમ ક્લિયર કરીને બોરીવલીથી ટ્રેનમાં સુરત આવ્યા હતા.
જ્યાંથી બસમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. જો કે અમદાવાદ આવ્યા બાદ લાલચ જાગતા તેમણે સોનાની લૂંટ થઇ હોવાનું જણાવ્યું હતું. જે પછી જીગ્નેશે તેના મિત્ર કેતન સોનીની મદદ લઇને કપડામાં રહેલા સોનાને અલગ કરીને ૪૫ લાખમાં એક વ્યક્તિને વેચાણ આપી દીધું હતું. આ અંગે ક્રાઇમ બ્રાંચે બંનેની વધુ પુછપરછ શરૂ કરી છે. સાથેસાથે કસ્ટમ અને ઇમીગ્રેશન વિભાગને પણ જાણ કરવામાં આવશે.