કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
આ મહત્વની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી ચેતવણી
ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અપમાન થવા દેવામાં આવશે નહીં
દેશની સામૂહિક ચેતના પણ OTTમાં પ્રતિબિંબિત થવી જોઈએ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અપમાન થવા દેવામાં આવશે નહીં. અનુરાગ ઠાકુરે OTT પર ભારતીય ધર્મો અને પરંપરાઓના ખરાબ ચિત્રણના આરોપોને લઈને આ વાત કહી હતી. આ બેઠક મંગળવાર 18 જુલાઈના રોજ થઈ હતી. મીટિંગમાં સામેલ લોકોએ એક ખાનગી ન્યુઝ એજન્સીને ત્યાં થયેલી વાતચીતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે મીટિંગમાં OTT દ્વારા ઉલ્લંઘન માટે સજાની જોગવાઈને ઠીક કરવા, હાલની ફરિયાદ નિવારણ પદ્ધતિને મજબૂત કરવા, ભારતના નકશાના સચોટ ચિત્રણને લગતી ચિંતાઓ અને ડિજિટલ પાયરસી સાથે વ્યવહાર કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે ફરિયાદ નિવારણ તંત્રને મજબૂત કરવા પર પણ વાતચીત કરવામાં આવી હતી. બેઠકમાં ડિજિટલ પાઇરેસી અને બૌદ્ધિક સંપદા અધિકારોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગેરકાયદેસર રેકોર્ડિંગ અને સામગ્રીના પ્રસારણમાં સામેલ વેબસાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.બેઠક બાદ અનુરાગ ઠાકુરે એક ટ્વીટમાં લખ્યું કે ભારત વિવિધતા ધરાવતો દેશ છે. દેશની સામૂહિક ચેતના પણ OTTમાં પ્રતિબિંબિત થવી જોઈએ. પ્લેટફોર્મ સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે પણ સંવેદનશીલ હોવા જોઈએ. તમને જણાવી દઈએ કે આગામી ચોમાસુ સત્રમાં સિનેમેટોગ્રાફ બિલ પણ પસાર થવાની આશા છે. જેમાં ડીજીટલ પાયરસી અટકાવવા અને કોપીરાઈટ કન્ટેન્ટ ગેરકાયદેસર રીતે દર્શાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.