–ફરિયાદી પાસેથી આરોપીએ ઉધાર લીધેલા રૂપિયા ૪ લાખની સામે બમણા રૂપિયા ૮ લાખ ૬૦ દિવસમાં ચૂકવી દેવાનો મહત્વનો હુકમ કોર્ટે કર્યો
ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી હતી,ઉપરાંત ફરિયાદી પાસેથી લીધેલા રૂપિયા ૪ લાખ સામે બમણા રૂપિયા ૮ લાખ ૬૦ દિવસમાં ચૂકવી દેવાનો મહત્વનો હુકમ કોર્ટે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર ગામની સીતાકુંજ સોસાયટીમાં રહેતા સતીષ કાંતિભાઈ પટેલ અને તેમના પત્ની દિપીકાબેન બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેમના નજીકના મિત્ર રમેશકુમાર રાજેન્દ્રભાઇ પંચાલને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા તેઓએ સતીષ પટેલ પાસેથી રૂપિયા ૪ લાખ ઉધાર લીધા હતા.
જોકે ઉધાર લીધેલા રૂપિયા રમેશકુમાર પંચાલ તેની સમયમર્યાદામાં પરત ચુકવી શક્યા નહોતા.તેમજ તેઓએ સતીષ પટેલને આપેલ ચેક પણ બેંક માંથી રિટર્ન થયા હતા.જે અંગે સતીષ પટેલે એડવોકેટ સમીર વકાણી મારફતે ભરૂચની કોર્ટમાં ધી નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબ રમેશકુમાર પંચાલ સામે ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ ભરૂચના ત્રીજા એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ બી ધાસુરા ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે એડવોકેટ સમીર વકાણી ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી રમેશકુમાર પંચાલને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.વધુમાં આરોપીએ ઉછીના લીધેલા રૂપિયા ૪ લાખ સામે બમણા રૂપિયા ૮ લાખ ચૂકવવાનો પણ મહત્વનો હુકમ કોર્ટે કર્યો હતો.અને આ રૂપિયા આરોપી ૬૦ દિવસમાં ચૂકવી ન શકે તો વધુ ૬ માસની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.