Satya Tv News

પોલીસે ડેપો વિસ્તાર તેમજ બજાર વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાવ્યા

લારી ધારકોમાં કચવાટ જોવા મળ્યો

પોલીસના કડક વલણના કારણે લારી ધારકો વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર થવા મજબૂર બન્યા

વાગરા નગરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને નિવારવા તેમજ ઉચ્ચ કક્ષાના આદેશનું પાલન કરી વાગરા પોલીસે ડેપો વિસ્તાર તેમજ બજાર વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાવ્યા હતા.પોલીસના કડક વલણના કારણે લારી ધારકો વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર થવા મજબૂર બન્યા હતા.વાગરા ડેપો વિસ્તારની ચહલ પહલ એક ઝટકામાં સૂમસામ ભાંસવા લાગી હતી.


વાગરા નગરમાં ઠેર-ઠેર ટ્રાફિક સમસ્યામાં દિનપ્રતિદિન ઉત્તરો ઉત્તર વધારો થતો હોય જેના કારણે પ્રજા જનોને તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.જેના લઈને અનેક વખત સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ અવાર નવાર રજૂઆત તેમજ ફરિયાદો થતી હોય જેને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે બે દિવસ પહેલા વાગરા પોલીસ તેમજ ગ્રામ પંચાયતના પદાધિકારી તેમજ કર્મચારી દ્વારા વાગરા નગરમાં આવેલ મેઇન રોડની સાઈડમાં શાકભાજીનો ધંધો કરતા લારી ધારકોને સ્વેચ્છિક રીતે પોતાની લારીઓ હટાવવા તેમજ ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા સૂચના અપાઇ હતી.ડેપો વિસ્તારમાં શાકભાજી, ફ્રૂટ અને કટલરી વેચી ગુજરાન ચલાવતા લારી ધારકોને દૂર કરાવતા લારી ધારકોમાં કચવાટ જોવા મળ્યો હતો.જો કે, પોલીસના કડક વલણના કારણે લારી ધારકો વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર થવા મજબૂર બન્યા હતા.ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકો પોતાનું દબાણ રાત દિવસ થઈ દૂર કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.કોઇએ દુકાનની આગળ લગાવેલ પતળાઓ દૂર કર્યા તો કોઈએ કેબિન આગળ લગાવેલ હોર્ડિંગ્સ દૂર કર્યા હતા.જ્યારે આજ રોજ સવારના 11 વાગ્યાના સમયે પોલીસ તેમજ વાગરા ગ્રામ પંચાયતના જવાબદાર કર્મચારીઓ બસ ડેપો વિસ્તારમાં એકત્ર થઈ જે લોકોએ ટ્રાફિકને અડચણ રૂપ દબાણો સ્વેચ્છિક રીતે દૂર કરવામાં વિલંબ કર્યો હતો તેવા ડેપો,ચીમન ચોક વિસ્તારમાં દુકાને દુકાને ફરી કડક ભાષામાં દબાણો દૂર કરવા જણાવાયુ હતુ.જો તમે તમારું દબાણ આજની તારીખમાં દૂર નહીં કરો તો અમારે ના છૂટકે જે.સી.બી લાવી બાકી રહેલ દબાણ દૂર કરવા મજબૂર થવુ પડશે.જેને લઈ બાકી રહેલા દબાણો પણ લોકો દૂર કરવામાં જોતરાઈ ગયા હતા.ડેપો વિસ્તારની ચહલ પહલ એક ઝટકામાં સૂમસામ ભાંસવા લાગી હતી.લારી ધારકો અને દુકાન ધારકોના સહકારથી દબાણો સફળતાપૂર્વક દૂર કરાયા હતા.
બીજી તરફ ડેપો વિસ્તારમાં શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા વ્યાપારીઓને ગ્રામ પંચાયત દ્વારા ફાળવેલ જગ્યાએ સાફસફાઈ તેમજ પ્રાથમિક સુવિધાઓ થાય ત્યાં સુધી પોતાના ધંધા સ્વેચ્છિક રીતે બંધ કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: