ઈઝરાયલ આર્મી અને આતંકી સંગઠન હમાસ વચ્ચેની અથડામણના બીજા દિવસે દેશભરના ઘણા વિસ્તારો પ્રભાવિત યુદ્ધને લઈ ઈઝરાયેલ પરના સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 700 ઈઝરાયેલીઓ માર્યા ગયા છે અને 1,900થી વધુ ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના વળતા હુમલા પછી 450 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 2,300 ઘાયલ થયા હતા, જેના કારણે મૃત્યુની કુલ સંખ્યા 1,000 થી વધુ થઈ ગઈ હતી.
ઉત્તર ઇઝરાયેલમાં લેબનીઝ ઇસ્લામિક જૂથ હિઝબુલ્લાએ રવિવારે ઇઝરાયેલની જગ્યાઓને નિશાન બનાવીને મોર્ટાર ફાયર શરૂ કર્યું હતું. ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં આર્ટિલરી હુમલાનો જવાબ આપ્યો અને સરહદ નજીક હિઝબુલ્લાહ ચોકી પર ડ્રોન હુમલો કર્યો. આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે. ઇજિપ્તના શહેર એલેક્ઝાન્ડ્રિયામાં એક પોલીસ અધિકારીએ ઇઝરાયેલી પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો પરિણામે બે ઇઝરાયેલીઓ અને એક ઇજિપ્તીયન માર્ગદર્શકના મોત થયા. સ્થાનિક મીડિયાના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, હુમલામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે. આ ઘટના એલેક્ઝાન્ડ્રિયામાં ઐતિહાસિક પોમ્પી પિલર સાઇટ પર બની હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એ રવિવારે જણાવ્યું હતું કે, તેના સૈનિકો ઇઝરાયેલની અંદર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ સાથે લડી રહ્યા છે. હમાસે પણ ગાઝા પટ્ટીની સરહદે આવેલા ઈઝરાયેલી વિસ્તારોમાં લડાઈની પુષ્ટિ કરી હતી, જેમાં ઓફકીમ, સેડેરોટ, યાદ મોર્ડેચાઈ, કેફર અઝા, બેરી, યેટીદ અને કિસુફિમનો સમાવેશ થાય છે.