ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના આપી હતી. જોકે હવે ડુંગળીની હરાજી ન થતા ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યાં અને ડુંગળીની હરાજી ચાલુ કરવા યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરી હતી.
ટ્રક ચાલકોની હડતાળને લઈ વડોદરામાં અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. હાલમાં માલ પુરતા પ્રમાણમાં ન મળે તો હાલાકી થઈ શકે છે. હાથી ખાના અનાજ માર્કેટ પ્રમુખ નિમેષ મહેતાએ કહ્યું કે, હાલમાં વડોદરામાં હડતાળની અસર નથી. જોકે દેશમાં જે રીતે ટ્રકની લાઈન છે, તે ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે, હડતાળ લાંબી ચાલે તો રાજ્ય બહારથી આવતુ અનાજ અટકી શકે છે. ખાદ્ય સામગ્રીમાં કેટલિક ચીજ વસ્તુઓ બહારથી આવે છે તેથી હડતાળના કારણે બહારથી આવતા અનાજને અસર થશે. જોકે તેમને કહ્યું કે, સરકાર હડતાળ મુદ્દે વિચારણા કરે તેવી આશા છે.
ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. વિગતો મુજબ ડિલરોમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો અટવાવાની ચિંતા છે. પણ રાહતની વાત એ છે કે, સુરતમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આજે પણ પેટ્રોલ ડીઝલના ટેન્કર પંપ ખાતે પહોંચ્યા છે. ટ્રક ચાલકોની હડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમને કહ્યું કે, હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો.