મંગળવારે ઇક્વાડોરના બંદર શહેર ગ્વાયાક્વિલમાં 13 માસ્ક પહેરેલા લોકો બંદૂક સાથે ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટમાં પ્રવેશ્યા હતા. આ પછી તેણે લાઈવ ટીવી શો દરમિયાન જ સેટ પર હાજર લોકોને ધમકાવવાનું શરૂ કર્યું. સશસ્ત્ર લોકોએ ધમકી આપી હતી કે બધાએ શાંત રહેવું જોઈએ નહીં તો તેઓ બોમ્બ ફેંકી દેશે. હુમલા દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના લાઈવ ટીવી શો દરમિયાન ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ચાલુ રહી. પહેલી જ મિનિટમાં લોકોને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે? સેટ પર હાજર દરેક લોકો ડરી ગયા.
ટીસી ટેલિવિઝનના ન્યૂઝ ચીફ એલિના મેનરિકે જણાવ્યું હતું કે, તે સ્ટુડિયોની સામે કંટ્રોલ રૂમમાં હતી જ્યારે માસ્ક પહેરેલા માણસોનું એક જૂથ બિલ્ડિંગમાં પ્રવેશ્યું હતું. મેનરિકે કહ્યું કે એક માણસે તેના માથા પર બંદૂક તાકી અને તેને ફ્લોર પર બેસવાનું કહ્યું. ત્યાં સુધી ઘટનાનું લાઈવ પ્રસારણ થયું હતું, જો કે લગભગ 15 મિનિટ પછી સ્ટેશનનું સિગ્નલ કપાઈ ગયું હતું. જોકે તે દરમિયાન સ્ટેશનના કોઈ કર્મચારીને ઈજા થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.
મેનરિકે ટેલિફોન ઇન્ટરવ્યુ દરમિયાન એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, હું હજી પણ આઘાતમાં છું. બધું ખતમ થઈ ગયું. હું માત્ર એટલું જ જાણું છું કે હવે આ દેશ છોડીને દૂર જવાનો સમય આવી ગયો છે. આ સિવાય એક ખૂબ જ ખતરનાક ડ્રગ માફિયા જોસ એડોલ્ફો મેકિયાસ એક્વાડોરની જેલમાંથી ભાગી ગયો હતો. આ પછી ગઈકાલે રાત્રે 7 પોલીસકર્મીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ સમગ્ર દેશ હચમચી ગયો હતો. દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ સોમવારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો કે, જેલોની સુરક્ષા સેના દ્વારા કરવામાં આવે. આ સિવાય દેશમાં કાર્યરત 20 ડ્રગ્સની હેરાફેરી કરતી ગેંગને આતંકવાદી જૂથ તરીકે જાહેર કરવામાં આવે તેવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ઇક્વાડોરની સૈન્યને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાની મર્યાદામાં આ જૂથોને ખતમ કરવા માટે મુક્ત લગામ આપવામાં આવી હતી.