ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હુમલા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આના ગંભીર પરિણામો આવી શકે છે.
જૈશ અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી હતી કે, ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ અલ-અદલ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો ઓછામાં ઓછા છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જૈશ અલ-અદલ લડવૈયાઓના બે મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યો જાનહાનિ બન્યા હતા. આ હુમલામાં બે સગીર બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં એક કિશોરી સાથે બે મહિલાઓ ઘાયલ થઈ હતી.