સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવા માટે લારી કે ફેરીયાવાળાને બદલે સપ્લાયર અને સ્ટોકિસ્ટને ટાર્ગેટ કરતા પાલિકાને મોટી સફળતા મળી છે. તેમાં પણ સુરત પાલિકાનો ઉધના ઝોન પ્રતિબંધિત પ્લાસ્ટિક માટેનું હબ બની રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી ઉધના ઝોનના આરોગ્ય વિભાગે કડકાઈ દાખવીને એક જ મહિનામાં 15 હજાર કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડ્યું છે અને તેનો નાશ પણ કરી દીધો છે. જે રીતે ઉધના ઝોન કામગીરી કરી રહ્યું છે તેવી જ રીતે અન્ય ઝોનમાં આવતું પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવે તો પ્રતિબંધિત પ્લાસ્ટિક પર મોટા પ્રમાણમાં અંકુશ લાગી શકે છે.