નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામમાં રહેતા એક યુવકની પત્ની સાત મહિના પહેલાં પિયર ચાલી જતા યુવક ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પરિવારજનો છેલ્લા સાત મહિનાથી તેની શોધખોળ કરી રહ્યા હતા અને આશા સેવી રહ્યા હતા કે એક દિવસ તે પરત ફરશે. પરંતુ, સુંઠવાડ ગામ પાસે શેરડીના ખેતરમાંથી એક માનવ હાડપિંજર મળી આવ્યા બાદ પ્રાથમિક તપાસમાં આ હાડપિંજર દેગામના ગુમ થયેલા યુવકનું હોવાનું સામે આવ્યું છે. હાડપિંજરની બાજુમાંથી મળી આવેલાં કપડાં, મોબાઈલ અને તંબાકુની ડબ્બીના આધારે પરિવારજનોએ મૃતકની ઓળખ કરી હતી. પોલીસે યુવકના મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે.