ઉપદેશ રાણા સહિતના હિન્દુત્વવાદી નેતાઓને પાકિસ્તાન અને નેપાળની ટોળકી સાથે મળી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી ધમકી આપનાર મૂળ નંદુરબાર અને હાલ કઠોરગામ રહેતા 27 વર્ષીય મૌલવી મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ભરીમાતા રોડ પરથી ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે. આરોપી મૌલવી લસકાણાના ડાયમંડ નગર ખાતે ધાગાની ફેક્ટરીમાં મેનેજર છે. આરોપી મૌલવીએ કઠોર ગામના મદ્રેસામાં હાફિઝ અને આલીમ સુધીનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામનું ખાનગી ટ્યુશન કરાવે છે. સુરત ક્રાઇમબ્રાંચે મૌલવી સોહેલ (સ્વાગત રેસીડન્સી, અંબોલી, કઠોરગામ, કામરેજ)ને પકડવા માટે છેલ્લા 20 દિવસથી ઓપરેશન હાથ ધર્યુ હતું. ક્રાઇમબ્રાંચે જાતે ફરિયાદી બની મૌલવી સામે ચીટિંગ અને આઈટી એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી તેનો મોબાઇલ કબજે કર્યો છે. આગામી દિવસમાં મૌલવીની પૂછપરછ કરવા એનઆઈએ, એટીએસ, સેન્ટલ આઈબી, સ્ટેટ આઈબીના ઓફિસરો સુરત આવશે. સુરતમાં રહેતા અને સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને પોલીસે સુરક્ષા પણ આપી છે. ઉપદેશ રાણાની હત્યા કરવા માટે તેણે તેના પાકિસ્તાની હેન્ડલર પાસેથી એક પિસ્તોલ પણ મંગાવી હતી. આરોપી મૌલવી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલ છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે વોટસએપ, ઇન્સ્ટાગ્રામ, લુડો જેવી એપથી વાત કરતો હતો.
હિન્દુવાદી નેતામાં ખાસ કરીને સુરતમાં સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસિંહ, એક ન્યુઝ ચેનલના એડિટર ઈન ચીફ સુરેશ ચૌહાણ તેમજ નુપુર શર્માને મૌલવી અને પાકિસ્તાન ડોગર તેમજ નેપાળના શેહનાઝે અલગ અલગ સમયે સોસીયલ મીડિયાથી ધમકી આપી હતી. જયારે ઘણીવાર તો ગ્રુપમાં કોલ કરીને પણ ત્રણેય જણા વાત કરી ધમકી આપતા હતા.