નવી દિલ્હી: એકમાત્ર દીકરા માટે ઈચ્છામૃત્યુની માંગ સાથે માતા-પિતા સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ૨૦૧૩માં તેમના ૩૦ વર્ષીય પુત્રના માથામાં ઈજા પહોચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઈજા બાદથી તે વેજિસ્ટેટિવ સ્ટેટમાં પહોંચી ગયો છે. છેલ્લા ૧૧ વર્ષથી તેના સ્વસ્થ થવાની આશા હવે નિરાશામાં પરિણમી છે. હોસ્પિટલનો વધતો ખર્ચ અને ડોક્ટરોએ તેના ઠીક થવાની સંભાવના ઓછી હોવાનું કહેતા માતા-પિતાની ચિંતામાં વધારો થયો છે.
સુપ્રીમ કોર્ટમાં માતા-પિતાએ અરજી કરીને કહ્યું છે કે, તેમના દીકરાને લગાવવામાં આવેલી રાઈલ્સ ટયૂબને હટાવવા માટે એક મેડિકલ બોર્ડની નિમણુક કરવામાં આવે. જેથી, તેમને પુત્રની ઈચ્છામૃત્યુના મામલે ચોક્કસ માહિતી મળે અને તે જે પીડાને સહન કરી રહ્યો છે, તેમાંથી તેને છૂટકારો મળે. રાઈલ્સ ટયૂબ એક ડિસ્પોસેબલ ટયૂબ છે, જેને ભોજન અને દવા પેટ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
હાલમાં, સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ આપવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ તેમણે દંપત્તીની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાઈલ્સ ટયૂબને હટાવવી ઈચ્છામૃત્યુનો હિસ્સો નથી. જો આ ટયૂબને હટાવવામાં આવે તો દર્દી ભૂખ્યો મરી જશે. તેમણે સરકારને પૂછયું છે કે, તેઓ તપાસ કરે કે કોઈ સંસ્થા આ વ્યકિતની દેખરેખ રાખી શકે તેમ છે?
સુપ્રીમ કોર્ટ ઈચ્છામૃત્યુની જગ્યાએ દર્દીની સારવાર અને દેખરેખ માટે તેને સરકારી અથવા અન્ય હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવાની સંભાવના પર વિચારવિમશ કરશે. ઓછી આવક છતાં દર્દીના માતા-પિતા, ૬૨ વર્ષીય અશોક રાણા અને ૫૫ વર્ષીય નિર્મલા દેવીએ દીકરા માટે અપાર સંઘર્ષ કર્યો છે. સિવિલ એન્જિનિયરિંગ ભણી રહેલો તેમનો દીકરો એક પેઈંગ ગેસ્ટના ચોથા માળેથી પડી ગયો હતો.