છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદા ગામે લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં લૂંટારાઓ લૂંટ કરવા માટે વૃદ્ધ દંપતીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લૂંટ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારાઓએ વૃદ્ધને ગળામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા અને વૃદ્ધા મહિલાના પગ કાપીને તેમના પગમાં પહેરેલ કડા લૂંટીને ભાગી ગયા હતા.
જિલ્લામાં બે દિવસમાં ત્રણ હત્યા ગુના
છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યાના ગુના નોંધાયા છે. જેમાં એક ઉચાપાણ ખાતે પ્રેમીની હત્યા પ્રેમિકાના પિતાએ કરી હતી. સંખેડા ખાતે પુત્રએ પિતા પૈસા વાપરવા ન આપતા કોદાળી વડે ઘા કરી હત્યા કરી નાખી હતી અને ત્રીજી ઘટના કવાંટ તાલુકાના પિપલદા ખાતે થઈ છે.
વૃદ્ધ દંપતીની હત્યા કરી કડા લૂંટીને લૂંટારા ભાગી ગયા
પિપલદા ખાતે રહેતા ગનજીભાઈ ચીમનભાઈ (ઉં.વ.70) અને તેમના પત્ની ચિમતીબેન રાત્રે ઘરે સૂઈ ગયા હતા. ત્યારે લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ ગનજીભાઈને ગળાના પાછળના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ નજીકમાં સૂઈ રહેલા ચિમતિબેનને પણ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિમતિબેનના બન્ને પગ કાપીને પગમાં પહેરેલ કડા કાઢીને લૂંટ કરીને ભાગી ગયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આ અંગે કવાંટ પોલીસને જાણ થતાં કવાંટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક દંપત્તિની લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. તેમજ લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના મામલે અજાણ્યા લૂંટારૂ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણભેદુએ જ હત્યા કરાઈ હોવાની શંકા
મહત્વની વાત એ છે કે આ દંપતી ઘરમાં એકલા હતા અને આ વાત લૂંટારા જાણતા હોય તેવું લાગી રહ્યું છે. જેથી જાણભેદુ દ્વારા જ હત્યા કરાઈ હોવાની હાલ શંકા સેવાઇ રહી છે.