ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જરૂરી પયાવરણીય મંજૂરી મળતાની સાથે જ હવે યુદ્ધના ધોરણે પ્લાન્ટને ઉભો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે
એશિયાના સૌથી મોટા ઉદ્યોગ મંડળ તરીકે જાણીતા અંકલેશ્વરમાં 500 થી વધારે કેમિકલ, ફાર્મા, ડાઇઝ , ડાઇઝ ઇન્ટરમિડિયેટ અને એગ્રોનું પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગો કાર્યરત છે, આ ઉદ્યોગોમાં નાના,મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગો વિકસેલા છે. ઉદ્યોગો માંથી રાસાયણિક પ્રક્રિયા બાદ નીકળતા પ્રદુષિત પાણીને પ્રાથમિક ટ્રીટમેન્ટ બાદ એસ્ટેટનાં એકમાત્ર એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપવામાં આવતું હતું. તેની ક્ષમતા માત્ર 1.5 એમ એલ ડી હોવાના કારણે નવા ઉદ્યોગોના આગમન અને જુના ઉદ્યોગના વિસ્તરણ પર જાણે લગામ લાગી ગઈ હતી. જુના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ અને ઉદ્યોગ મંડળને નવા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મંજુરી માટે લાંબા સમય સુધી ઉદ્યોગ જગતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી, અંતે અંકલેશ્વરને એક 5.5 એમ એલ ડીના ખાનગી પ્લાન્ટ અને 10 એમ એલ ડીના નહિ નફો નહિ નુકસાનના ધોરણ પર ચાલતા અન્ય એક પ્લાન્ટની મંજૂરી મળી છે. જેના કારણે હવે નવા ઉદ્યોગોને ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવાની અને જુના ઉદ્યોગોના વિસ્તૃતીકરણની પરવાનગી મળી શકશે. લાંબા સમય થી જી પી સી બી દ્વારા રાસાયણિક પ્રક્રિયા બાદ નીકળતા પ્રદૂષિત પાણીના ટ્રીટમેન્ટ માટેની સુવિધાના અભાવે નવા ઉદ્યોગોને ઉત્પાદનની પ્રક્રિયા માટે પરવાનગી મળી ન હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ દ્વારા અંકલેશ્વર વેસ્ટ વોટર મેનેજમેન્ટ એસોસિએશનની રચના કરવામાં આવી છે. આ એસોસિએશનને ટ્રસ્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવ્યું છે. અને હવેથી આ મંડળ જ અંકલેશ્વરને ફાળવવામાં આવેલ 10 એમ એલ ડીના કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ચલાવશે. આ CETP ને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણીય પરવાનગી મળી ચુકી છે