નવી દિલ્હી: જેટ ફ્યુઅલ અથવા એટીએફના ભાવમાં આજે ૪.૬ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી તરફ હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કીલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે.
સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક કિલોલીટર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)નો ભાવ ૪૪૯૫.૫ રૂપિયા (૪.૫૮ ટકા) ઘટીને ૯૩,૪૮૦.૨૨ રૂપિયા થઇ ગયો છે.
એટીએફમાં કરવામાં આવેલા આ ઘટાડાને કારણે એરલાઇન્સના ફ્યુઅલ બિલમાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક ઓગસ્ટે તથા એક જુલાઇએ એટીએફના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એક ઓગસ્ટે એટીએફના ભાવમાં બે ટકા તથા એક જુલાઇએ ૧.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે એક જૂને એટીએફના ભાવમાં ૬.૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ સળંગ બીજા મહિને વધારો કરવામાં આવ્યો છે. એક ઓગસ્ટે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
જો કે આ અગાઉ સળંગ ચાર મહિના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ચાર ઘટાડામાં કુલ ૧૪૮ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
૧૯ કીલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને મુંબઇમાં ૧૬૪૪ રૂપિયા, કોલકાતામાં ૧૮૦૨.૫૦ રૂપિયા અને ચેન્નાઇમાં ૧૮૫૫ રૂપિયા થઇ ગયો છે.
જો કે ડોમેસ્ટિક વપરાશમાં વપરાતા ૧૪.૨ કીલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. તેનો ભાવ ૮૦૩ રૂપિયા પર યથાવત છે. તેવી જ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૪.૭૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૭.૬૨ રૂપિયા પર યથાવત છે.