મણિપુરમાં શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં છ લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટનાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેના પછીના ફાયરિંગમાં ચાર હથિયારધારી લોકો માર્યા ગયા છે.
જિલ્લા મુખ્યાલયથી લગભગ પાંચ કિલોમીટર દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઉગ્રવાદીઓએ ઘૂસીને ગોળી મારી દીધી હતી. આ હત્યા બાદ જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિલોમીટર દૂર પહાડીઓમાં લડતા સમુદાયના સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ પહાડી ઉગ્રવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.
મળતી માહિતી મુજબ આ ફાયરિંગમાં કુકી અને મેઇતેઈ બંને સમુદાયના લોકોના મોત થયા હતા. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ છેલ્લા પાંચ દિવસમાં તણાવ ઘણો વધી ગયો છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય 2 મણિપુર રાઈફલ્સ અને 7 મણિપુર રાઈફલ્સના હેડક્વાર્ટરમાંથી હથિયારો લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
થોડા દિવસો પહેલા મણિપુરના સેનજમ ચિરાંગમાં વધુ એક ડ્રોન બોમ્બ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. મણિપુર પોલીસે X પર એક નિવેદનમાં આ માહિતી આપી હતી. આ સાથે જ એમ પણ કહ્યું કે સુરક્ષા દળો વિસ્તારમાં તેહનાત છે. તાજેતરનો આ હુમલો ‘શંકાસ્પદ કૂકી વિદ્રોહીઓ’ દ્વારા લોન્ચ કરવામાં આવેલ અનેક ડ્રોન દ્વારા ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌટ્રુક ગામમાં બોમ્બમારાના એક દિવસ બાદ થયો છે.