Satya Tv News

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. પાર્ટીએ બીજેપી સાંસદ કંગના રણૌતના કૃષિ કાયદાને લગતા નિવેદનથી પાછીપાની કરી લીધી છે. કંગનાએ પોતે પણ કહ્યું કે, આ તેનો અંગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. પાર્ટી દ્વારા ફરીથી ઠપકો આપ્યા બાદ કંગનાએ એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. કંગના કહી રહી છે કે, તેણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે માત્ર એક કલાકાર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર પણ છે. બીજેપી સાંસદે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોનું સન્માન કરવું એ અમારા તમામ કાર્યકર્તાઓની ફરજ છે.’

કંગના રનૌતે કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે, ‘હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ.’ જોકે, પાર્ટીએ કંગનાના આ નિવેદન પર પાછીપાની કરી લીધી છે. કોંગ્રેસે કંગનાના નિવેદનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતી વખતે 750થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. તેને ફરીથી લાગુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. હરિયાણા આ બાબતે પહેલા જવાબ આપશે.’

Created with Snap
error: