હાલમાં જ દેશની સંસદમાં કેટલાક સભ્યોએ દેશમાં સામે આવતા બ્રેસ્ટ કેન્સરના આંકડાઓ રજૂ કરવા અંગે સવાલો પૂછ્યા. આ સવાલોના જવાબરૂપે સંસદે 2019 થી 2023 સુધી સામે આવેલા બ્રેસ્ટ કેન્સરના આંકડા અને મૃત્યુદરની સંખ્યા રાજ્ય પ્રમાણે જાહેર કરી. આ આંકડાઓ સાથે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી. ગુજરાત બ્રેસ્ટ કેન્સર કેસોની સંખ્યામાં ટોપ-10 રાજ્યોમાં આવી ગયું છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાં મૃત્યુદર પણ અધધ 33% જોવા મળ્યો. આંકડાઓથી સમજીએ તો 2013માં ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરનાં 11,506 કેસ સામે આવ્યા. એમાંથી 4,280નાં મૃત્યુ થયાં, જે કુલ દર્દીઓના 33% થી પણ વધુ છે. સરળ ભાષામાં સમજીએ તો ગુજરાતમાં રોજ 11 લોકોના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થાય છે
બ્રેસ્ટ કેન્સરના કેસ વધવા અંગે ડો. શકુંતલા શાહ કહે છે કે, આ ખૂબ ગંભીર બાબત છે. આજે મહિલાઓમાં અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સરની સંખ્યા સૌથી વધુ છે. જે પાછળ દર્દીઓને યોગ્ય રીતે દવા કે ટ્રીટમેન્ટ નથી મળતી, તેવું હું નથી માનતી. બ્રેસ્ટ કેન્સરના કેસો વધવા પાછળ લોકોની ઓછી અવેરનેસ જવાબદાર છે. લોકો નાનાં લક્ષણોને અવગણીને લોકો બીકના માર્યા હોસ્પિટલ સુધી નથી પહોંચતા, જેને લીધે 50%થી વધુ કેસો ત્રીજા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. કેટલાક પ્રમાણના કેસોમાં જિનેટિક(વારસાગત) કારણો પણ જવાબદાર હોય છે. જો આ અંગે પહેલેથી ચેતી જવામાં આવે તો કેન્સર થતું રોકી શકાય છે.
બ્રેસ્ટ કેન્સરની ગંભીરતા અંગે જણાવતાં ડો. શકુંતલા શાહ કહે છે કે, પહેલાં બ્રેસ્ટ કેન્સર મોટે ભાગે 50 પછીની ઉંમરની મહિલાઓમાં જોવા મળતું હતું પરંતુ હવે ઓછી ઉંમરના કેસોમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. જો વારસાગત હિસ્ટ્રી કેન્સરની હોય તો કેટલાક કેસો એવા હોય છે કે 25 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેન્સી દરમિયાન પણ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થતું હોય છે. નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટની સાઈડ ઈફેક્ટ પણ ગંભીર હોય છે. એટલે આ કેન્સરને લઈને સાવચેતી ખૂબ જરૂરી હોય છે.