Satya Tv News

મુંબઈમાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને 25 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ આખી ટીમ 121ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ભારતીય ટીમે ત્રણ કે તેથી વધુ મેચોની સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમ ઈન્ડિયાના આ શરમજનક પ્રદર્શન પર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે

સચિન તેંડુલકરે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અંગે ટ્વિટ કરતા લખ્યું કે, “ઘરઆંગણે 3-0થી મળેલી હાર પચાવવી સરળ વાત નથી. આ આપણા માટે આત્મનિરીક્ષણનો સમય છે. શું તૈયારીમાં ખામી હતી? શું શોટ સિલેકશન ખરાબ હતું? કે મેચ પ્રેક્ટિસનો અભાવ હતો?” સચિને આ સાથે ન્યુઝીલેન્ડની ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, “આખી સિરીઝમાં સતત સારા પ્રદર્શન માટે સમગ્ર શ્રેય ન્યુઝીલેન્ડની ટીમને જાય છે. ભારતમાં કોઈપણ ટીમ માટે 3-0 થી જીત એ એટલું સારું પરિણામ છે કે જેની અપેક્ષા રાખી શકો છો.”

મુંબઈ ટેસ્ટ મેચમાં શુભમન ગિલ અને રિષભ પંત ટીમ ઈન્ડિયાના બે જ ખેલાડી હતા જેઓ બેટિંગમાં વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા હતા. સચિને પોતાના ટ્વીટમાં આ બંનેનો ઉલ્લેખ પણ કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, “પ્રથમ ઈનિંગમાં શુભમન અને બંને ઈનિંગ્સમાં રિષભ પંતે પોતાની બેટિંગથી બતાવ્યું હતું કે આટલી પડકારજનક પિચ પર તમે તમારા ફૂટવર્કનો ઉપયોગ કરીને કેવી રીતે વધુ સારી રીતે રન બનાવી શકો છો.”

error: