અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ઘરેથી ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો જ ન ફર્યો. ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર તલોદ જવાના રસ્તે એક નાળામાં તેની લાશ મળી આવી. શરીરનો ઘણો હિસ્સો બળી ચૂક્યો હતો. ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. અમદાવાદમાં ભાર્ગવનાં પરિવારજનો ઊંચાં-નીચાં થઈ ગયાં. તેમને જરા પણ અંદાજો ન હતો કે તેઓ જે દીકરાની શોધખોળ કરી રહ્યા છે, તેની હત્યા થઈ ચૂકી છે અને ઝાડીઝાંખરાં વચ્ચે અત્યંત ખરાબ હાલતમાં તેની લાશ પડી છે. ભાર્ગવમાં એટલી હિંમત તો હતી જ નહીં કે તે એકલો અમદાવાદ બહાર જઈ શકે. ન કોઈ સાથે દુશ્મનાવટ, ન તો હત્યાનો કોઈ પુરાવો. સવાલ એ હતા કે ભાર્ગવની હત્યા કોણે અને શા માટે કરી? કોણ તેને ઘરથી આટલે દૂર લઈ ગયું અને જીવ લઈ લીધો?
પ્રાંતિજ પોલીસે લાશનો કબજો લઈને ઓળખ માટે એક જગ્યાએ રાખી મૂકી હતી. ભાર્ગવની માતાને ત્યાં લઈ જવામાં આવ્યાં. લાશના ચહેરા પરથી કપડું હટાવ્યું અને એ જ ક્ષણે ભાર્ગવની મમ્મી હેબતાઈ ગઈ. 16 વર્ષના દીકરાની લાશ આંખો સામે હતી. જેને શોધવા માટે છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમય દોડધામ કરી એ દીકરો મૃત અને અર્ધસળગેલી હાલતમાં મળતા માતા ભાંગી પડી. બે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે માતાએ કબૂલ્યું કે હા..આ મારા જ લાડકવાયાની લાશ છે. એની આવી હાલત કરનારને છોડતા નહીં.