સુરેન્દ્રનગર સીધી સોસાયટીમાં રહેતાં અને રેલવની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જગદીશભાઈ સોમાભાઈ પરમારનું એક મકાન રાજકોટમાં પણ છે. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી પૈકી સૌથી નાનો પુત્ર ચંદન પરમાર રાજકોટ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. બુધવારે ચંદનના મિત્ર હિતેશનો જન્મદિવસ હોવાથી ચંદન પરમાર રાજકોટથી ટ્રેનમાં સુરેન્દ્રનગર પાર્ટી કરવા આવ્યો હતો. હિતેશ તેને લેવા રેલવે સ્ટેશને પણ ગયો હતો.
ઉમિયા ટાઉનશીપ પાસે આવેલા એક કોમ્પલેક્ષના ધાબા ઉપર હિતેશ અને ચંદનની સાથે વિશાલ વિરજી સોલંકી અને પાર્થ વાધેલા પણ ગયા હતા. દારૂની મહેફિલ બરાબર જામી હતી તે સમયે વિશાલે કહ્યું કે, પાર્થ મારો સાળો છે. ત્યારે ચંદને કહ્યું કે, તારો સાળો એ મારો સાળો. બસઆ બાબતે બોલાચાલી થઈ ગઈ હતી. સાળા-બનેવીએ ચંદનને ધાબા ઉપરથી મારતા મારતાં પેરાફીટ તૂટેલી ત્યાં લાગી ધકકો મારીને નીચે ફેકી દીધો હતો. 25 ફૂટ નીચે પડતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં 34 વર્ષિય ચંદનનું મોત થયું હતું. આ અંગે મિત્ર હિતેશે જ 108ને જાણ કરી હતી. પોલીસને સમગ્ર ઘટનાની કડીબદ્ધ માહિતી આપતાં પોલીસે નવજીવન સોસાયટી પાસે રહેતા વિશાલ વિરજી સોલંકી અને નવકાર સોસાયટીમાં રહેતા વિશાલના સાળા પાર્થ વાઘેલા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
આ હત્યા કેસમાં સાળા પાર્થ અને બનેવી વિશાલનો મુખ્ય રોલ છે. જેમાં વિશાલ સામે વિરૂધ્ધ અગાઉ બી ડીવીઝન પોલીસ મથકે મારા મારીના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યુ હતું. ચંદનના 3 મહિના પહેલાં છુટ્ટાછેડા થયા હતા. મૃતક ચંદન પરમાર પરિવારમાં સૌથી નાનો છે. તેના લગ્ન 3 વર્ષ પહેલા કાલાવાડમાં થયા હતા. પરંતુ 3 માસ પહેલા છુટ્ટા છેડા થયા હતા. ચંદનભાઈની હત્યા જ થઈ હોવાનો ખ્યાલ પરિવારને તેના શરીર ઉપરના ઈજાના નિશાન અને તૂટેલી ઘડિયાળ ઉપરથી આવી ગયો હતો. ગાંધી હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આથી પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસે સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે ઘટનાના 22 કલાક બાદ મૃતદેહનો સ્વીકાર કરાયો હતો.