Satya Tv News

ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટના બાદથી એક્ટિવ છે. ઘટનાની નોંધ લેતા સીએમ યોગીએ આરોગ્ય સચિવ સાથે નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકને ઝાંસી મોકલ્યા છે. આ સાથે તેમણે ઝાંસીના ડિવિઝનલ કમિશ્નર અને ડીઆઈજીને 12 કલાકની અંદર ઘટના અંગે રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

શુક્રવારે મોડી રાત્રે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (SNCU વોર્ડ)માં ભીષણ આગ લાગી હતી. જેમાં 10 નવજાત શિશુઓ સળગી જવાથી અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સચિન માહૌરે જણાવ્યું હતું કે 54 બાળકોને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની અંદર અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ રૂમમાં ઓક્સિજન વધુ હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. ઘણા બાળકો બચી ગયા. 10 બાળકોના મોત થયા છે. ઘાયલ બાળકોની સારવાર ચાલી રહી છે.

અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી છે. સેના અને ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. 10 નવજાત શિશુઓના મોતથી હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, રાત્રે લગભગ 11.45 વાગ્યે SNCU વોર્ડમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો, ત્યારબાદ ત્યાં હાજર લોકોએ એલાર્મ લગાવ્યો. પરંતુ કોઇ કંઇ સમજે તે પહેલા આગની જ્વાળાઓ ફેલાવા લાગી હતી. થોડી જ વારમાં આગ સંપૂર્ણપણે વોર્ડને લપેટમાં લઈ લીધી હતી.

error: