ઈસ્લામાબાદ : દુનિયામાં આતંકવાદની નિકાસ કરી રેહલા પાકિસ્તાનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા જેવો ઘાટ ઘડાયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓના એક હુમલામાં પાંચ બાળકો અને આઠ મહિલા સહિત ૫૦ લોકોનાં મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના લોઅર કુર્રમમાં એક પેસેન્જર વાન પર થયો હતો. આ હુમલામાં પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
ખૈબર પખ્તુનખ્વામાં એક પેસેન્જર વાન લોઅર કુર્રમના ઓચુટ કાલી અને મંદુરી પાસેથી પસાર થતી હતી ત્યારે પહેલાથી ત્યાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ વાન પર અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ૨૦૦ જેટલા પેસેન્જર વાહનોનો કાફલો પારાચિનારથી પેશાવર જઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો.
આ હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો શિયા કોમ્યુનિટીના હતા. સ્થાનિક પત્રકારે કહ્યું હતું કે, તાલિબાનોના પ્રભુત્વવાળા વિસ્તારમાં વાહનો પર હુમલો કરાયો હતો.
પાકિસ્તાન મીડિયા મુજબ તહસીલ મુખ્યલાય હોસ્પિટલ અલીજઈના અધિકારી ડૉ. ગયૂર હુસૈને આ હુમલાની પુષ્ટી કરી છે. અધિકારીઓએ કહ્યું કે, મૃતકોમાંથી ૧૪ લોકો પાસે કોઈ ઓળખપત્રો નહોતા. તેથી તેમની ઓળખ થઈ શકી નથી. અમે તેમના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ હુમલાની આકરી ટીકા કરી હતી અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. બીજીબાજુ પીપીપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું કે નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરવો કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે. આ ઘટના માટે જવાબદાર લોકોને દંડ થવો જોઈએ. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલિ અમીન ખાન ગંડાપુરે આ હુમલાની ટીકા કરી હતી. તેમણે પ્રાંતમાં બધા જ રસ્તાઓ પર લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા પ્રોવિન્સિયલ હાઈવે યુનિટ બનાવવા પણ નિર્દેશ આપ્યા હતા.