ઝઘડિયા ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાં બેફામ રેતીખનનના કારણે નિર્દોષ લોકોના જીવ જઇ રહયાં છે. વર્ષોથી બેફામ રેતી ખનન થઇ રહયું હોવા છતાં શુકલતીર્થમાં એક સાથે 3 લોકોના ડૂબી જવાની ઘટના અને સાંસદના ગંભીર આરોપો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઝઘડિયા સહિતના નદી કિનારાના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા નર્મદા નદી પર આવેલી રેતીની લીઝોના સંચાલકો મનમાની કરતાં હોવાનું તેમજ તેમના દ્વારા ગેરકાયદે રેતી ખનન અને વહન કરવામાં આવતાં ડુબી જવાના અને અકસ્માતના અનેક બનાવો બન્યા છે. તેવા આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. તેમણે ભરૂચ, નર્મદા અને વડોદરા કલેક્ટર પર પણ ગંભીર આરોપો કર્યાં હતાં. ત્યારે બુધવારે કલેક્ટરની સુચનાથી ઝઘડિયાના પ્રાંત અધીકારી કાજલ ગામીત, મામલતદાર એન. સી. રાણા, સર્કલ ઓફિસર રાહુલ વસાવા, સહિત ભરૂચ ખાણ ખનિજ વિભાગની ટીમે સંયુક્ત રીતે મોટા વાંસણા ગામે આવેલી પાંચ લીઝોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, પાંચ પૈકીની બે લીઝ બંધ હોવાનું જણાતાં ચાલુ રહેલી ત્રણ લીઝમાં તેમણે ચેકિંગ કરતાં તેઓએ લીઝના સ્થળે નિયમાનુસારનું બોર્ડ માર્યું ન હોવાનું જણાયું હતું. તેમજ હદ અંગેની સ્પષ્ટતા થાય તેવા નિશાન લગાવ્યા ન હોવાનું જણાયું હતું. જેના પગલે ખાણ ખનિજ વિભાગની ટીમે તેમની લીઝમાં થયેલાં ખનનની જીપીએસથી માપણી કરી હતી. અને તમામ ડેટા એકત્ર કર્યાં હતાં. પ્રાથમિક તબક્કે તેમને લીઝ પર ચોક્કસ નિયમાનુસારનું બોર્ડ નહીં હોવાને કારણે જે તે સંચાલકને દંડ કરવામાં આવશે. જીપીએસ ડેટાની નોંધણીના આધારે દંડ કરાશે મોટા વાસણા ગામે ટીમો દ્વારા રેતીની લીઝો પર થયેલાં ખનનનું જીપીએસથી માર્કિંગ કરી ડેટા એકત્ર કરવામાં આવ્યાં હતાં. જે ડેટા હવે ઓનલાઇન ચઢાવી તેમાં જો લીઝ સંચાલકે ગેરકાયદે ખનન કર્યું હોવાનું જણાશે તો તે આધારે તેને દંડ કરવામાં આવશે.
