જૂના ભરૂચ વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. રેસિડન્સી બિલ્ડિંગના ધાબા પર ચાલવા ગયેલી યુવતીને એક યુવાને પાછળથી પકડી શારીરિક અડપલાં કરવાનો યત્ન કર્યો હતો જૂના ભરૂચ વિસ્તારમાં એક રેસિડન્સીમાં રહેતી એક મહિલા તેના પતિ સાંજે નોકરીએ ગયાં હોઇ ઘરમાં તેની બે પુત્રી અને એક પુત્ર તથા સાસુ સાથે હતી. તે વેળાં તેમની બીજા નંબરની પુત્રી નિત્યક્રમ મુજબ રેસિડન્સીના ધાબા પર ચાલવા માટે ગઇ હતી.રાત્રે આઠેક વાગ્યે જમવાનું તૈયાર થઇ ગયું હોઇ તેમણે તેમની પુત્રીને જમવા માટે બોલાવવા ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. જેના પગલે તેમણે તેમના પુત્રને તેને બોલાવવા મોકલતાં તે તેને ધાબેથી નીચે ઘરે લાવ્યાં બાદથી તેને વારંવાર ચક્કર આવતાં હોઇ તેમણે પુત્રને પુછતાં તેને જણાવ્યુંહતું કે, બહેન ધાબા પર બેહોશ પડેલી હતી. તેને ઉઠાવીને પરત આવતો હતો તે વેળાં બિલ્ડીંગમાં રહેતો યુવાન પણ આવી જતાં તેની મદદથી લિફ્ટમાં બેસાડતાં તેને નીચે લાવ્યો હતો. થોડીવારમાં યુવાનનો પુત્ર પર ફોન આવ્યો હતો કે, તે જ્યારે ધાબા પર જતો હતો.ત્યારે પુત્રીને ચક્કર આવ્યાં હોઇ હવે તેની તબિયત કેવી છે.જેથી તેમણે તેમની પુત્રીને શું થયું તેમ પુછતાં તેણે રડતાં રડતાં જણાવ્યું હતું કે, તેમની બિલ્ડીંગમાં રહેતો મેહુલ નામના શખ્સે જ્યારે તે ધાબા પર ચાલવા ગઇ હતી. ત્યારે તેને પાછળથી આવી પકડી શારિરીક અડપલાં કર્યાં હતાં. તે ત્યાંથી ભાગવા જતાં ચક્કર આવતાં પડી ગઇ હતી. જેના પગલે યુવતિની માતાએ મેહુલ નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.