Satya Tv News

EMRS શાળાના બાંધકામમાં 15 વર્ષના બાળકો કરી રહ્યા છે કામ..સ્થાનિક તંત્ર મૌન

ડેડીયાપાડા ખાતે માલસામોટ રોડ પર EMRS શાળાના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. જે જગ્યાએ EMRS શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાંના કમ્પાઉન્ડમાં હાલ એક ખેતર છે જે ખેતરમાં તુવેરનો પાક ઉભો છે જે તુવેરનો પાક સ્થાનિક ખેડૂતોનો છે. અંહી કામ કરી રહેલી એજન્સીના કર્મચારીઓ અને સુપરવાઇઝરો સાથે કામગીરી મુદ્દે વાતચિત કરતા જાણવા મળ્યું કે, આ પ્રોજેક્ટની કામગીરી બે દિવસથી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો કોઈપણ બાંધકામ કરવું હોય તો તેની પહેલા ગાઈડ લાઈન મુજબ જાહેરનામું મૂકવુ જરૂરી બનતું હોય છે. પરંતુ અંહી કોઈપણ જાતનું જાહેરનામું મૂકવામાં આવ્યું નથી જે મોટી બેદરકારી કહી શકાય. બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે, આદિવાસી વિસ્તારના વિકાસ માટેના બજેટના આર્ટીકલ 241 (1)ના બજેટ માંથી આ શાળા બની રહી છે. જેની જવાબદારી અહીંના લોકલ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને જિલ્લાના ઉચ્ચ વહીવટીઓની બને છે. પરંતુ અહીં તો લોલમ લોલ ચાલી રહ્યું છે, એવું સ્પષ્ટ દેખાય છે. જે કામ ચાલી રહ્યું છે તે કામ માટે લેબરો મધ્યપ્રદેશ થી લઈ આવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે, આ કામ માટે આદિવાસી વિસ્તારના લેબરો કેમ કામ માટે રાખવામાં આવ્યા નથી.

અહીં કામ કરી રહેલા 20 થી 25 લેબરો છે અને તેઓ પણ 15 થી 16 વર્ષની ઉંમરના છે. જે તમામ લેબરો મીડિયાના કેમરામાં પણ કેદ થયા છે. બીજા મોટી વયના લેબરો કામ કરી રહ્યા છે તેઓ પણ કોઈપણ સેફ્ટી વગર કામ કરી રહ્યા છે. એટલે આ કામગીરીમાં પોલમપોલ ચાલી રહી છે. તો આ તરફ લેબરોના બાળકો પણ નજીકમાં રમી રહ્યા છે. જેમાં નાના બાળકો પણ વીડિયોમાં સાફસાફ દેખાય રહ્યા છે. જેમની સુરક્ષાનું કોણ ધ્યાન રાખશે ? અહીંની એજન્સી કે પછી જવાબદારી વહીવટી તંત્ર તે ખૂબ મોટા સવાલો છે. જે પણ એજન્સી કામગીરી કરી રહી છે. તેની પણ યોગ્ય જાણકારી ત્યાંના સુપરવાઇઝર આપવા તૈયાર નથી. અથવા જવાબ આપે છે તો ગોળ ગોળ જવાબ આપી ટોપી આપી રહ્યા છે. પ્રોજેક્ટના કામ દરમિયાન કમ્પાઉન્ડમાં કોઈપણ સીસીટીવી મૂકવામાં આવ્યા નથી જે સૌથી મોટી બેદરકારી છે. સરકારી ગાઈડલાઈન મુજબ સીસીટીવી મૂકવા જરૂરી છે. પરંતુ લાગે છેકે અંહી અધિકારીઓની મીલિભગતથી સીસીટીવી પણ મૂકવામાં આવ્યા નથી. ઉપરાંત બાંધકામમાં જે પણ મટીરિલયસ વાપરવામાં આવી રહ્યું છે. તે પણ ખૂબજ નીચી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. જો આ રીતે બાંધકામમાં વેઠ ઉતારશે તો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. આ મામલે DDOને જાણ કરતા તેમણે ફરિયાદ નોંધી તપાસ કરવાના આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બનાવ મુદ્દે ક્યારે કાર્યવાહી થાય છે.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી,ડેડીયાપાડા

error: