નર્મદા જિલ્લામાં સરકારની યોજનાઓનો લાભ નાગરિકોને યોગ્ય રીતે મળી રહે તે માટે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંકલનમાં રહી ફાળવેલ ગ્રાન્ટનો જરૂરિયાતમંદને સહાયરૂપ બની સુખી જીવન માટે સહભાગી બનવા આહવાન કરતા સાંસદશ્રી મનસુખભાઈ વસાવા
નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૭મી ડિસેમ્બરને બપોરે ૩-૦૦ કલાકે મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, ધારાસભ્ય સર્વશ્રી ડો.દર્શનાબેન દેશમુખ અને શ્રી ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રી તથા દિશા કમિટીના આમંત્રિત સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રચનાત્મક સૂચનો કર્યા હતા.
દિશા કમિટીના બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાw નિયામકશ્રી જે.કે.જાદવે પ્રારંભિક ભૂમિકા બાંધી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારશ્રીની યોજનાના ગ્રાઉડ લેવલ પર થયેલા કામોની વિગતો આપી હતી. યોજનાના અમલીકરણ અંગે વિગતો પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને તેમના વિભાગો દ્વારા જિલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક અનુસાર થયેલી કામગીરી તથા બાકી કામોની વિગતો અને નાણાંકીય ખર્ચની વિગતો અંગે અધ્યક્ષ અને સભ્યોને જાણકારી આપી હતી. આ દરમિયાન તબક્કાવાર તમામ યોજનાઓના અમલીકરણ સંદર્ભે ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અંગેની પૂર્તતા અને પ્રગતિના કામો અને બાકી કામોના કારણો સહિત વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગો દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી.
સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ બેઠકને સંબોધતા જણાવ્યું કે, દિશા કમિટીની બેઠક લોકોની સુખાકારી માટે ખૂબજ મહત્વની હોય છે. કારણકે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આ બાબતમાં પોતે અંગત રસ લઈને ઝીણવટપૂર્વક વિકાસ કાર્યોની સમીક્ષા કરતા હોય છે, રાજ્યમાં અને દેશમાં જિલ્લાઓમાં ચાલી રહેલી કામગીરીનો ચિતાર જાતે મેળવતા હોય છે. જેથી જિલ્લામાં અમલી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પુરસ્કૃત યોજનાઓ તેની ગાઈડલાઈન મુજબ જમીની હકીકત પર સાચા અર્થમાં અમલીકરણ થાય, જરૂરિયાતમંદ યોગ્ય લાભાર્થી સુધી યોજનાના લાભો પહોંચે અને જનસુખાકારી વધે તે દિશામાં જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ સાંસદ અને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ યોગ્ય માહિતી સાથે એક-મેકના સંકલનમાં રહીને પારદર્શી વહીવટમાં સહભાગી બને તેવી ખાસ અપીલ કરી હતી.
સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો હોવાથી કેન્દ્ર સરકારે એસ્પિરેશનલ જિલ્લો જાહેર કર્યો છે અને યોજનાઓની અમલવારી માટે અલાયદી નાણાંકીય જોગવાઈઓ પણ કરવામાં આવે છે. જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયા માટેની જાહેર પરીક્ષામાં જિલ્લાના વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવી શકે તે માટે પ્રાથમિક શાળા કક્ષાએથી જ બાળકોને તૈયાર કરવામાં આવે તે માટે યોગ્ય રણનીતિ નક્કિ કરી તે દિશામાં ગુણાત્મક સુધારો થાય તેવાં પગલાં ભરવા આહવાન કર્યું હતું. નર્મદા જિલ્લાને અડીને આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં જિલ્લાના બાળકોને નોકરી મેળવી શકે તે માટે આઈટીઆઈમાં યોગ્ય પ્રશિક્ષણ-તાલીમ અને યુવાનોને કેળવણી મળે જેથી રોજગારીનું સર્જન કરી શકાય તે બાબત ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આમંત્રિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા