આરોપી મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવ ઉર્ફે ડબલુએ ભરુચના એક નાગરિક પાસેથી કેનેડાના વિઝિટર વિઝા અપાવવાના બહાને ₹9.54 લાખની છેતરપિંડી કરી હતી.ફરિયાદીએ પોતાના પરિવાર સાથે કેનેડા જવા માટે વિઝિટર વિઝાની અરજી કરી હતી, જે રિજેક્ટ થઈ હતી. ત્યારબાદ તેમના મિત્ર મારફતે તેઓ અમદાવાદના ચિલોડા વતની આરોપી મનમોહનના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ પોતાની ઘણી ઓળખાણો હોવાનું જણાવી વિઝા મંજૂર કરાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા.આરોપીએ અલગ-અલગ સમયે ફરિયાદી પાસેથી કુલ ₹9.54 લાખ પડાવ્યા હતા, પરંતુ ન તો વિઝા અપાવ્યા કે ન તો પૈસા પરત કર્યા. આ મામલે ભરુચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા અને કે.એમ વ્યાસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી છેતરપિંડીના ₹3.50 લાખ રિકવર કર્યા છે. આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.