નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ભાદોડ અને ડેડીયાપાડાની જાંક તાલુકા પંચાયતની પેટા ચુંટણી યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોત પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્રણેવ પાર્ટીઓ જીતના દાવા તો કરી રહી છે પણ 2022 વિધાનસભા અને 2024 લોકસભા ચુંટણીના આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસ તો પિક્ચરમાં દેખાતી જ નથી, મુખ્ય મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ છે અને એ બંનેવ બેઠકો પર હાલ તો આમ આદમી પાર્ટીનું પલડું ભારે છે એવું દેખાઈ રહ્યું છે.
વર્ષ 2020 માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સાગબારાની ભાદોડ અને ડેડીયાપાડાની જાંક બેઠક ભાજપે જીતી હતી. તો બીજી બાજુ વર્ષ 2022 માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીને ડેડીયાપાડાની ઝાંક બેઠક પર 3452 મત જ્યારે ભાજપને 1827 મત તથા સાગબારાની ભાદોડ બેઠક પર આમ આદમી પાર્ટીને 2576 મત જ્યારે ભાજપને 1943 મત મળ્યા હતા. ત્યાર બાદ 2024 લોકસભા ચુંટણીમાં ઝાંક બેઠક પર આમ આદમી પાર્ટીને 4124 મત અને ભાજપને 1096 મત તથા ભાદોડ બેઠક પર આમ આદમી પાર્ટીને 2858 મત જ્યારે ભાજપને 1783 મત મળ્યા હતા.
આ આંકડાઓ જોતાં ભાજપના મતોમાં ક્રમશઃ ઘટાડો જ્યારે આમ આદમી પાર્ટીના મતોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય સ્થાનિકોના પ્રશ્નોને લઈને સતત લડત ચલાવી રહ્યા છે તો બીજી બાજુ ભાજપ એ સમયે બેકફુટ પર જતી હોવાથી જનતામાં અપ્રિય થતી જતી હોય એવું દેખાઈ રહ્યું છે. જેથી ભુતકાળના ચૂંટણી અકડાઓને જોતાં તો બંનેવ બેઠકો પર આમ આદમી પાર્ટીનું પલડું ભારે છે એમ લાગી રહ્યું છે. પરંતુ હાલ ભાજપની સરકાર હોવાથી ભાજપ સામ, દામ અને દંડની નિતી અપનાવે તો આ બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતાઓને પણ નકારી શકાતી નથી.
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડિયાપાડા