![](https://satyatvnews.com/storage/2025/02/image-21.png)
સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, યુવક બ્રિજ પર લગાવેલી રેલીંગ કૂદીને માત્ર તાપી નદીમાં કૂદવાનું જ બાકી હતું. તે પહેલાં જ પોલીસ પહોંચી અને વાતોમાં ભોળવી પકડી બચાવી લીધો હતો. યુવકને પોલીસ બચાવીને લઈ જઈ રહી હતી, ત્યારે પણ યુવકે બસ મરી જ જવાનું રટણ પકડી રાખ્યું હતું.
યુવકની ઉંમર 28 વર્ષ છે અને પરિવાર સાથે વરિયાવ વિસ્તારમાં જ રહે છે. યુવક પોતે થોડા સમયથી આર્થિક તંગીથી કંટાળી ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ત્યારબાદ તેના પરિવારને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેને તેનાં પરિજનોને સહીસલામત સોંપ્યો હતો.