Satya Tv News

અંદાજિત ૧૭.૯૮ કરોડ જેટલી રકમ ૧૯માં હપ્તાની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી નર્મદા જિલ્લાના ખેડૂતોને અપાઈ : ખેતીકામ માટે સહાય રૂપ બનશે

વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળતા નર્મદા જિલ્લાના ખેડૂતો

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવીના અધ્યક્ષસ્થાને દેડિયાપાડા તાલુકાની કૃષિ ઇજનેરી પોલીટેક્નીક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં નર્મદા જિલ્લાના ખેડૂતોને અંદાજિત ૧૭.૯૮ કરોડ જેટલી સહાયની રકમ ૧૯માં હપ્તાની ચૂકવણી ડીબીટીના માધ્યમથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવીએ જણાવ્યું કે, ખેડૂતોની આવક વધારવા માટે ૬ વર્ષ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ. ૬ હજારની સહાય પુરી પાડવામાં આવે છે. આ યોજનાના માધ્યમથી ખેડૂતોને દવા, બિયારણની ખરીદી કરવા માટે ઉપયોગી નિવડી છે. સરકારે ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લઈને નર્મદા જિલ્લાના ખેડૂતો પણ કૃષિક્ષેત્રે આગળ વધી રહ્યાં છે.

“કિસાન સન્માન સમારોહ” રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને બિહારના ભાગલપુર ખાતે યોજાયો હતો. નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળીને નર્મદા જિલ્લાના ખેડૂતો-પશુપાલકોએ પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ યોજાયો હતો. જ્યાં રાજ્યના ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂતોને ૧૯માં હપ્તા હેઠળ રૂ. ૧૧૪૮ કરોડની સહાય ખેડૂતોને સીધા ખાતામાં મળી હતી.

આ પ્રસંગે લાભાર્થીશ્રી મુકેશભાઈ વસાવાએ જણાવ્યું કે, આજે ખેડૂતો માટે ખેતી ખર્ચાળ થઈ રહી છે, ત્યારે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીને આગળ ધપાવવા માટે અને ખેડૂતોને પ્રોત્સાહન પુરુ પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેક્ટ અને કેવીકે દ્વારા ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, શ્રી વસાવા પોતે પણ ટ્રેનર તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે, જે બદલ કાર્યક્રમમાં તેઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તબક્કે ખેતીલક્ષી યોજનાઓનો લાભ લેનાર લાભાર્થીઓએ સ્ટેજ પરથી યોજનાઓની માહિતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના મંતવ્યોને અન્ય ખેડૂતો સમક્ષ રજૂ કરીને ગાય આધારિત ખેતી કરવા અનુરોધ કર્યો હતો. સાથોસાથ મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગ સંલગ્ન શાખાઓના લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમ સ્થળે ખેતી-પશુપાલન, કેવીકે દ્વારા કૃષિ પ્રદર્શની, બાગાયત, ખેડૂત તાલીમ કેન્દ્રના સ્ટોલ્સ ઉભા કરાયા હતા. આત્મા પ્રોજેક્ટ તથા કુદરતી તત્વોથી તૈયાર ખાતર બનાવવાની પદ્ધતિ અંગે પણ સ્ટોલ્સના માધ્યમથી ખેડૂતો-નાગરિકોને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કે.વી.કે.ના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. એચ. યુ. વ્યાસે પ્રાસંગિક પ્રવચન અને આભારવિધી કે.વી.કે.ના ડો. મીનાક્ષી તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી મોતીભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને શ્રી શંકરભાઈ વસાવા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રશ્મિતાબેન વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી.કે. શિનોરા, નાયબ બાગાયત અધિકારીશ્રી નિતિનભાઈ પટેલ, ખેતીવાડી-પશુપાલન સંલગ્ન શાખાના કર્મચારીઓ, મહિલાઓ, ખેડૂતો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડિયાપાડા

error: