Satya Tv News

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સ્કૂટર પરથી પડી જવાના કારણે ઇજા પામેલા એક 9 વર્ષનાં બાળકને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલનાં ડૉક્ટર્સ દ્વારા બાળકનાં હાથમાં 7 ટાંકા લેવાયા હતા. પરિવારે મેડીકલેમ હોવાનું જણાવતા તેને 24 કલાક દાખલ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ સામાન્ય સારવાર માટેનું રૂ. 1.60 લાખનું બિલ ફટકાર્યું હતું. જેને લઈ બાળકના દાદાએ વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યા છે. તો સાથે જ યોગ્ય જવાબ ન મળે તો કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી છે. સમગ્ર મામલે વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટર હેડ ડો. દુષ્યંત પટેલે તમામ ચાર્જીસ નિયમ મુજબ લેવાયા હોવાનો લુલો બચાવ કર્યો હતો.

ભોગ બનનાર 9 વર્ષના બાળકનાં દાદા જગદીશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેમનો પૌત્ર અને પુત્રવધુ 4 માર્ચે સ્કૂટર પર જતાં હતાં. દરમિયાન ઓચિંતી બ્રેક લાગતા સ્કૂટરની સાથે પૌત્ર પણ પડી જતા તેનો હાથ ફંસાઈ ગયો હતો. જે ખેંચવા જતા પતરું લાગવાથી હાથમાં ઇજા પહોંચી હતી. અને તે ખૂબ ગભરાઈને રડવા લાગતા તેને નજીકની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટર્સ સહિત સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પૌત્રનાં હાથમાં પતરું લાગ્યું હોવાથી તરત ક્લીન કરવામાં આવ્યું હતું. તેમજ પાટો બાંધી આપ્યા બાદ સ્ટીચ લેવા જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું.

5 માર્ચે ડિસ્ચાર્જ કરાયા હતા ત્યારબાદ છેલ્લે અમને રૂ. 1,60,910નું બિલ આપવામાં આવતા અમને ખૂબ આશ્ચર્ય થયું હતું. કે સામાન્ય સ્ટીચ લેવાનું આટલું બિલ કઈ રીતે હોઈ શકે? આમ છતાંય અમે ત્યાંથી નીકળી ગયા હતા. બે દિવસ અમે કેટલાક લોકોની સલાહ લીધી હતી. બાદમાં એક જાગૃત નાગરિક તરીકે હોસ્પિટલ સામે સવાલ ઉઠાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને અમે મીડિયા દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યો છે. અને જો હોસ્પિટલ દ્વારા આ મામલે સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે.

error: