ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સિઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. મેગા લીગ શરૂ થાય તે પહેલા જ ઈજા એક મોટો પ્રશ્ન બની ગયો છે. સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ અને વધુ બે સ્ટાર ખેલાડીઓ IPL 2025ની શરૂઆતની મેચોમાંથી બહાર રહેશે. જસપ્રિત બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થયેલી ઈજાને કારણે થોડા મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેને ફિટ ન હોવાના કારણે ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે બુમરાહે બોલિંગ શરૂ કરી દીધી છે, પરંતુ તે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે ફિટ માનવામાં આવતો નથી. બુમરાહ IPLની શરૂઆતની મેચોમાંથી બહાર રહી શકે છે. રિપોર્ટ્સ અનુસાર બુમરાહ એપ્રિલના પહેલા સપ્તાહમાં ટીમ સાથે જોડાશે.
ફાસ્ટ બોલર મયંક યાદવ IPL 2024માં તેની 150+ની બોલિંગ સ્પીડના કારણે ચર્ચામાં રહ્યો હતો. તેણે સતત બે મેચમાં શાનદાર બોલિંગ કરી, પરંતુ ફિટનેસની સમસ્યાના કારણે તે માત્ર 4 મેચ જ રમી શક્યો. હવે IPL 2025 પહેલા તેની પાસે એક નવી સમસ્યા છે. બીસીસીઆઈએ હજુ સુધી મયંકની ઈજા અંગે કોઈ અપડેટ નથી આપી, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, મયંક યાદવ ઈજાના કારણે શરૂઆતની મેચોમાંથી બહાર થઈ શકે છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ઓપનિંગ મેચમાંથી બહાર થઈ જશે. હાર્દિક પંડ્યા મુંબઈનો કેપ્ટન છે. ગત સિઝનમાં હાર્દિકને છેલ્લી મેચમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સ્લો ઓવર રેટ માટે નિયમો અનુસાર પ્રથમ વખત 12 લાખ રૂપિયા, બીજી વખત 24 લાખ રૂપિયા અને ત્રીજી વખત ટીમના અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવે છે. જેમાં એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધના કારણે હાર્દિક પ્રથમ મેચમાંથી બહાર થઈ જશે.