
હવામાન વિભાગનું કહેવું છે કે આ દરમિયાન તેજ ગતિના પવનો પણ ફૂંકાશે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ હવામાનનો અનુભવ થશે. આ અંતર્ગત 26 થી 28 માર્ચ દરમિયાન હિમાચલ પ્રદેશ, જમ્મુ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. આ સાથે પંજાબ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 30 માર્ચના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં માવઠું આવશે.
31 માર્ચના રોજ સુરેન્દ્રનગર અને અમદાવાદ, સાબરકાંઠા અને વડોદરામાં વરસાદ પડશે. આ ઉપરાંત ભરૂચ , આણંદ અને પંચમહાલમાં વરસાદની શક્યતા છે. 1 એપ્રિલના રોજ ભાવનગર અને ખેડામાં કમોસમી વરસાદ પડશે. આણંદ અને નર્મદામાં વરસાદની શક્યતા છે. તો દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડશે. છોટાઉદેપુર અને અરવલ્લીમાં પડશે વરસાદ. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને લદ્દાખમાં 27 માર્ચે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તરાખંડ અને પંજાબમાં 28 માર્ચની વચ્ચે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશમાં 28 અને 29 માર્ચે વરસાદની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.
27 માર્ચે દિલ્હીમાં ભારે પવનની સંભાવના છે, જેની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે હોઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે 27 માર્ચે દિલ્હીનું મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. જ્યારે 28 માર્ચે, મહત્તમ તાપમાન ઘટીને 34 થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 થી 19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ શકે છે.