ભરૂચ : દેશની સૌથી યુવા વયે IAS બનનાર નેહા બ્યાડવાલની સફળતાની કહાણી આજના યુવા માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. માત્ર 24 વર્ષની વયે UPSC જેવી સૌથી કઠિન ગણાતી પરીક્ષા પસાર કરીને IAS બનનાર નેહા હાલ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે પ્રોબેશન પર ફરજ બજાવી રહી છે.

મોબાઈલ અને સોશિયલ મીડિયા પરથી ત્રણ વર્ષ સુધી દૂર રહી જોઈ સફળતા:
આધુનિક યુગમાં જ્યાં મોબાઈલ અને સોશિયલ મીડિયા કોઈના માટે ઓક્સિજન સમાન છે, ત્યાં નેહા બ્યાડવાલે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે ત્રણ વર્ષ સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો બંધ કરી દીધો હતો. UPSCની પ્રથમ નિષ્ફળતા પછી તેમણે સમજ્યું કે મોબાઈલ અને સોશિયલ મીડિયા તેમના ધ્યાનને વિખેરે છે. પરિણામે, તેમને જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવ્યો હતો.

શૈક્ષણિક સફર અને સંઘર્ષભરી તૈયારી:
નેહાનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો અને તેમના પિતા શ્રવણ કુમાર આવકવેરા વિભાગમાં વરિષ્ઠ અધિકારી છે. તેમના સેવાભાવથી પ્રેરણા લઈ નેહાએ નક્કી કર્યું કે તેમને પણ દેશસેવામાં પોતાનું યોગદાન આપવું છે.તેમનું શાળાકીય જીવન રાજ્યોના ફેરફારને કારણે અનેક જગ્યાએ પસાર થયું હતું – જયપુર, ભોપાલ, કોરબા અને બિલાસપુરની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો. આગળના અભ્યાસ માટે તેઓ રાયપુરની DB Girls Collegeમાં જોડાયા અને યુનિવર્સિટી ટોપર રહી હતી.

UPSCનો લાંબો પ્રવાસ અને અંતે સફળતા:
નેહાએ UPSC માટે તૈયારી શરૂ કરી હતી. પણ સતત ત્રણ પ્રયાસોમાં નિષ્ફળ ગયા હતા. જોકે, હાર ન માનતાં, મોબાઈલ બંધ કરીને ચોથી વખત સમગ્ર જાતને સમર્પિત કરી અભ્યાસ કર્યો હતો. અને આ ખંતનો પરિણામ એવો આવ્યો કે ચોથા પ્રયાસમાં 569 ના ઓલ ઇન્ડિયા રેન્ક સાથે UPSC CSE પરીક્ષા પાસ કરી લીધી હતી. તેમણે કુલ 960 ગુણ મેળવ્યા જેમાં ઈન્ટરવ્યૂમાં 151 માર્ક્સ મેળવ્યા હતા. તેઓ હવે લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે અને સોશિયલ મીડિયા પર પણ 99,000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે, જ્યાં UPSC ઉમેદવારોને માર્ગદર્શન આપે છે.
ભવિષ્ય માટે સંકલ્પ:
હાલમાં નેહા બ્યાડવાલ ગુજરાતના ભરૂચ જિલ્લાના કલેકટર કચેરી ખાતે પ્રોબેશનલ આસિસ્ટન્ટ કલેકટર તરીકે ફરજ બજાવે છે. ભવિષ્યમાં દેશ માટે વધુ સારી સેવા આપવા અને જાહેર તંત્રમાં પારદર્શિતા લાવવાનો નક્કી સંકલ્પ રાખે છે