
નર્મદા જિલ્લાના સાગબારા માં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને મહિલા કાર્યકરો સામે સોશ્યલ મીડિયા માં અભદ્ર ટિપ્પણી કરવાના બે અલગ-અલગ ગુના નોંધાયા છે. જેમાં ફેસબુક પર અપમાનજનક પોસ્ટ કરનારા બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર તા. ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ અને મહિલા આગેવાન ચંપાબેન સુભાષભાઈ વસાવા સાથે ગેરવર્તન કરાયું હોવાના આક્ષેપો થયા હતા.
આ ઘટના બાદ ચંપાબેન ના સમર્થનમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના વિરોધમાં ભાજપ ની આદિવાસી મહિલાઓ દ્વારા તા. ૦૯/૦૭/૨૦૨૫ ના રોજ ડેડીયાપાડા ખાતે એક રેલી કાઢી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ રેલી અને આવેદનપત્ર ની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર બે અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા સાગબાર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અને મહિલા કાર્યકરો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેમાં સોશ્યલ મીડિયા માં “M.S.SHETH” ના ધારક મનીષ મનુ શેઠ રહે.અરેઠ બજાર ફળીયું, તા. માંડવી, જી. સુરત એ ચંપાબેન વસાવા વિશે અભદ્ર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી ટિપ્પણી કરી હતી.
તેણે લખ્યું હતું કે, “ચંપાબેનને જોઈને કોઈને કોઈ ફીલિંગ ના આવે તેવી ચંપા અને અપશબ્દ શબ્દો વાપરી મહિલાની લાજ લેવાનો પ્રયાસ કરાયો હોવાનું ચંપાબેન વસાવાએ સાગબારા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે બીજા કિસ્સામાં મહિલા કાર્યકર જશોદાબેન મહેન્દ્ર વસાવા રહે. સજનવાવ, તા. સાગબારા, જી. નર્મદા એ ફરિયાદ નોંધાવી હતી કે, ફેસબુક આઈ.ડી. “Paku-vsv2517” પ્રકાશ વસાવા રહે. ઉમરપાડા, જી. સુરત એ આવેદનપત્ર આપનાર મહિલાઓ વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તેણે લખ્યું હતું કે, “સમાજ માટે લડનાર ચૈતર વસાવા વિરુદ્ધ માં આવેલા બહેન લોકોને મારી નમ્ર વિનંતી છે કે, તમે સાડી શું કરવા પહેરીને આવ્યા, નાગા થઈને આવવાની જરૂર હતી” અને “પૈસા આપીને પબ્લિક ભેગી કરેલ છે કે શું..બી.જે.પી.ના દલાલો”. આવા અપમાનજનક શબ્દો વાપરી ટિપ્પણી કરાઈ હોવાનું જશોદાબેને ફરિયાદમાં જણાવ્યું છે.
જેથી આ બાબતની સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ અપાતા પોલીસ દ્વારા આ બંને ગુના દાખલ કરવામાં આવ્યા છે. અને અભદ્ર ટિપ્પણી કરનાર બંને આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા