
માંડવી: અરેઠના સોશ્યલ મીડિયા ઇન્ફલુંએન્સર મનીષ શેઠ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પછી હાલમાં વિવાદોનું કેન્દ્ર બન્યા છે. તેમણે ચંપાબેન નામની મહિલા વિરુદ્ધ મુકેલી પોસ્ટને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાએ પોતાના નામે ગણાવી બીએનએસ 79 હેઠળ સાગબારા પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવડાવી છે. અને માંડવીમાં પણ ભાજપા સમર્થકોએ મનીષ શેઠ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે મનીષ શેઠના માતા વાસંતીબેન મનુભાઈ શેઠે માંડવી પોલિસ સ્ટેશનમાં અરજી લખી, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને એમની સાથીદાર મહિલાઓ ગુંજનબેન વસાવા, લીલાબેન ચૌધરી, જશોદાબેન વસાવા વિરુદ્ધ પોતાના પુત્રએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખુલ્લું સમર્થન આપ્યું હોવાથી તેમજ મનીષ શેઠના ઇન્સ્ટાગ્રામ/ફેસબુક પર ખુબ મોટી માત્રામાં ફોલોવર્સ હોવાથી માત્ર રાજકીય લાભો ખાટવા ખોટી રીતે ફસાવીને પારિવારિક ઝગડાની મેટર ને રાજકીય રંગરૂપ આપી યુવાનોમાં આ નેતાઓ વિરુદ્ધ ફેલાયેલા ભારોભાર આક્રોશને બીજી દિશામાં ફંટાવવા માટે તદ્દન ખોટો આક્ષેપ મૂકીને મનીષને ફસાવાયો હોવાની ફરિયાદ કરતા આ બાબતે ઘટનામા તદ્દન નવો જ વણાંક આવ્યો છે.ઉપરાંત સાગબારા પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર પરેશ ચૌધરી વિરુદ્ધ સિવિલ ડ્રેસમા 8 લોકો સાથે રાત્રે 8 વાગે ઘરમાં ઘુસી જઈ ટેબલ જામીનપાત્ર કેસ હોવા છતાં ધાકધમકી આપી મનીષ જો હાજર નહીં થાય તો હાથકડી પહેરાવી દોરડા બાંધીને મારતા મારતા સાગબારા પોલિસ સ્ટેશન સુધી લઈ જઈશું એવી ધાકધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો.
ઉપરાંત વૈભવ વસાવા, ઉમેશ વસાવા, ભીખુ વસાવા, એડવોકેટ પ્રશાંત વળવી, આદિવાસી ચિરાગ સિંહ, ભીમસીંગભાઈ ચૌધરી સહિતના ફેસબુક આઈડી ધરાવતા ઈસમો દ્વારા મનીષ ઘાંચીને જ્યાં પણ દેખાઈ ત્યાં મારીશું, ચૈતરભાઈ ની રેલીમાં મારીશુંને એવી ધમકીઓ જાહેરમાં ઉચ્ચારી રહ્યા છે. તેમ છતા પોલિસ મુકદર્શક બનીને બદઈરાદે કોઈ કાર્યવાહી નહીં કરીને આવા ગુંડા તત્વોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી છે. એકબાજુ ડેડીયાપાડા પ્રાંત અધિકારી દ્વારા 4 થી વધારે વ્યક્તિઓ એકસાથે ભેગા નહીં થઈ શકે એવો આદેશ આપે છે. અને બીજીબાજુ ચંપાબેન વસાવા એમના મળતીયાઓ સાથે મળીને ગેરકાયદેસર મંડળી રચીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રેલી કાઢે છે. તેની સામે જાહેરનામાના ભંગની કલમ લગાવવાના બદલે મનીષ શેઠને ફસાવે તો યોગ્ય બાબત નથી એવો આક્ષેપ મનીષ શેઠના માતાએ અરજીમાં કરેલ છે. ઉપરાંત મીડિયાને એ પણ જણાવેલ કે પોલિસ રાજકીય દબાણમાં મારા દિકરા પર તદ્દન ખોટી એફઆઈઆર કરીને અમારા આખા પરિવારને હેરાનપરેશાન કરવાનું કાવતરું રચી રહી છે, તેથી કદાચ અમારી અરજી પર એફઆઈઆર નહીં નોંધશે તો અમે નામદાર અદાલતમાં ન્યાય મેળવવા છેક સુધી લડત આપીશું. હવે આ મુદ્દે માંડવી પોલિસ શુ કાર્યવાહી કરે તે આગળ જોવું રહ્યું?
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા