Satya Tv News

ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા પોષક વાનગીના સ્ટોલનું મહાનુભાવોએ નિરિક્ષણ કર્યું

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્રારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી “અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજપીપલા સ્થિત પટેલ છાત્રાલય ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંગભાઇ તડવીની અધ્યક્ષતામાં ભૂલકા મેળો યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવી એ જણાવ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં સૌથી ઉચ્ચ કોટિનું સ્થાન રહેતું હોય તો તે ગુરૂજનોનું હોય છે. આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાંઓને માતા-પિતા કરતાં વધુ હેત વરસાવી પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી દેશના ભવિષ્યને સાચી દિશા આપવાનું ખૂબજ કઠિન કાર્ય કરી રહ્યાં છે તે પ્રસંશનીય અને ખરેખર મૉં – ગુરૂ કરતાં વધુ ઉચ્ચ સ્થાને રહ્યાં છે. નાના ભૂલકાંઓને શિક્ષણ આપવું ખૂબજ કપરું હોય છે ત્યારે નાના ભૂલકાંના માતા-પિતાએ આંગણવાડી કાર્યકર બહેનો ઉપર ભરોષો રાખી તેમના બાળકોને સોંપતા હોય છે, જેનું પરિણામ આજે આ સ્ટેજ પર બાળકો દ્વારા પ્રસ્તૃત થયેલી વિવિધ કૃતિના માધ્યમથી જોવા મળ્યું છે. ભૂલકાં મેળાના આયોજન થકી દેશના ભાવિને સાચી દિશા આપવાનું કામ થઈ રહ્યું છે. બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ છે. આ મેળાના માધ્યમથી દર્શાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ ભૂલકાંઓને આકર્ષી રહ્યાં છે ભૂલકા મેળામાં સરળ ભાષામાં બાળકોને જ્ઞાન પિરસાઇ રહ્યુ છે અને નવી ઊર્જા સાથે પ્રેરણા પણ પુરી પાડે છે. આ મેળામાં આવેલાં ભૂલકાંઓ કંઈક નવું શીખીને, ભાથું લઈને જશે અને પોતાના જીવનને ઉન્નત બનાવી દેશના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભૂલકા મેળાના સફળ આયોજન બદલ આઇ.સી.ડી.એસ. વિભાગને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ઇન્ચાર્જ આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર ડો.જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, આ મેળા અંતગર્ત નાના બાળકો માટે ભૂલકા મેળાનું આયોજન કરી વિવિધ ઉપકરણો આંગણવાડી બહેનો દ્વારા બનાવેલા ઘટકો જેના થકી બાળકોને તાલીમ આપવા માટે અને પ્રી-સ્કૂલ ટ્રેનિંગ કઈ રીતે આપવી એ અંગે નિદર્શન કરવામાં આવ્યું અને ઉપરાંત જુદા-જુદા ઘટકોએ આંગણવાડીમાં મોડ્યૂલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મેળા થકી બાળકોના ઘડતર અને સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો કરાઇ રહ્યાં છે. તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ભૂલકાં મેળામાં જિલ્લાના પાંચેય ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેનું મહેમાનશ્રીઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન TLM તૈયાર કરાવનાર પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર દ્વારા સ્ટોલની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી.

આંગણવાડીના નાના ભૂલકાંઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ તથા પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. સ્ટોલ અને કૃતિ પ્રસ્તૃતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકરો અને પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર્સને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પાંચેય તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ, શિક્ષણ વિભાગના નિરિક્ષકશ્રીઓ, પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર્સ, આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડીના ભૂલકાંઓ-વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: