
સુરત શહેરના કુંભારિયા વિસ્તારમાં ચાર મહિના પહેલાં બનેલા 19 વર્ષીય સુખપ્રિત કૌર નામની એક મોડેલના આત્મહત્યાનો ચકચારી કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સારોલી પોલીસે આ બનાવમાં ફરાર રહેલા મોડેલના બોયફ્રેન્ડ અને ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતને અંતે કાબૂમાં લીધો છે. પોલીસે તેને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ઝડપ્યો છે. ત્યારે ચાર મહિના પહેલાનો શું હતો આખો બનાવ? ચાલો વિગતવાર જાણીએ.

બનાવની વિગતવાર વાત કરીએ તો, મૂળ મધ્યપ્રદેશના શિવપુરા જિલ્લાની વતની 19 વર્ષીય સુખપ્રિત કૌર મોડેલિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પોતાના પરિવારને વતનમાં છોડી લગભગ એક વર્ષ પહેલાં સુરત આવી હતી અને શહેરના કુંભારિયા વિસ્તારના સારથી રેસિડેન્સીમાં મોડેલિંગ ક્ષેત્રે જ કામ કરતી પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. અહીં મોડેલિંગનાં કામમાં પોતાનું ભવિષ્ય ઘડવાની સાથે સાથે તે કોલેજમાં અભ્યાસ પણ કરતી હતી.
ઘટના મુજબ, ગત 2 મે 2025ની રોજ રાત્રીના સમયે સુખપ્રિતના જીવનમાં કરુણ અંત આવ્યો હતો. તેણે પોતાના જ રૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ ઘટનાસ્થળેથી સુખપ્રિતના બેગમાં પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. હિંદીમાં લખેલી આ સુસાઈડ નોટમાં સુખપ્રિતે પોતાના પ્રેમી મહેન્દ્ર રાજપૂતનો ઉલ્લેખ કરીને પોતાના દુઃખની વાત કરી હતી.