
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં નાર્કોટિક્સના ગુનામાં સંકળાયેલા એક આરોપીના રહેણાંક મકાનમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા વીજ કંપની દ્વારા રૂ.74,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
https://www.instagram.com/reel/DOvPqnxACgF
આરોપી જગદીશ શેલાભાઈ ભરવાડ, જે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના નાર્કોટિક્સ ગુનામાં સંકળાયેલો છે અને રચનાનગર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર ખાતે રહે છે, તેના ઘરે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. SOGની ટીમે DGVCLના કર્મચારીઓ સાથે મળીને આ કામગીરી પાર પાડી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા દ્વારા અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, ભરૂચ SOGની ટીમે NDPSના ગુનામાં સંકળાયેલા અસામાજિક તત્વોની યાદી બનાવીને વીજ કનેક્શન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.