
ભરૂચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધધારા ડેરીની ચૂંટણી આજે શુક્રવારે સવારે 9 વાગ્યેથી શરૂ થઈ ગઈ છે. 900 કરોડના ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વાગરાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઊભી કરી, સીધી ટક્કર આપી છે.
ચૂંટણીમાં કુલ 15 બેઠકો માટે જાહેરાત થઈ હતી, જેમાંથી એક બેઠક પર અરૂણસિંહ પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આજે બાકીની 14 બેઠકો માટે કુલ 296 મતદારો મતદાન કરી રહ્યા છે.
ચૂંટણી માટે ભરૂચ આયોજન ભવન ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. બંને પક્ષના ભાજપના આગેવાનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે કોણે બાજી મારી છે.