Satya Tv News

ભરૂચ : આમોદ તાલુકાનાં દોરા ગામમાં 18 માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચની સેશન કોર્ટએ આરોપી રાજેશભાઈ નગીનભાઈ વસાવાને આજીવન કેદ તથા રૂ.30,000 નો દંડ ફટકાર્યો છે.

બનાવની વિગત મુજબ, દોરા ગામે પિતા નગીનભાઈ વસાવા અને પુત્ર રાજેશભાઈ વસાવા વચ્ચે ઘરના નજીક ઝગડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન પડોશી કિશનભાઈ વસાવા ઝગડો છોડાવવા ગયા હતા. ગુસ્સે ભરાયેલા રાજેશ વસાવાએ કિશનભાઈને “તુ અમારા બાપ-દિકરાના ઝગડામાં કેમ પડે છે” કહી લાકડી વડે હુમલો કરી માથા-મોઢા પર ઘા કર્યા હતા. ગંભીર ઈજા થતાં કિશનભાઈને આમોદ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.આ બનાવની ફરિયાદ આમોદ પોલીસ મથકે ગુ.ર.નં. 152/2021 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 302, 506(2) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ નોંધાઈ હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ મનોહરસિંહ જી. રાઠોડે કુલ 17 સાક્ષી અને 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષની ધારદાર દલીલોના આધારે બીજા એડીશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ ઈ.એમ. શેખે આરોપીને હત્યામાં દોષી ઠરાવી 30 ઓગસ્ટ 2025ના રોજ ખુલ્લી કોર્ટમાં આજીવન સજાનો ચુકાદો જાહેર કર્યો હતો.

error: