
થરાદમાં જમડા પુલ પાસે આવેલી મુખ્ય કેનાલમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. કેનાલ પાસેથી એક મોટરસાઈકલ, મહિલાઓની ચંપલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ વસ્તુઓના આધારે ચાર લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાં શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા છે.
પ્રાથમિક આશંકા મુજબ, ડૂબી ગયેલા લોકોમાં એક પુરુષ, બે મહિલાઓ અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. ફાયર ટીમ દ્વારા સતત શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી કેનાલમાંથી કોઈ પણ વ્યક્તિ મળી આવ્યું નથી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જ્યો છે.